પ્રકાશ મહેતા અને સુભાષ દેસાઈ વિરુદ્ધના આક્ષેપોની લોકાયુક્ત તપાસ કરશે
મુખ્ય પ્રધાને વિધાન પરિષદમાં કરી જાહેરાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા અને ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ ઉપર થયેલા આક્ષેપોની તપાસ લોકાયુક્ત દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં કરી હતી.

મુખ્ય પ્રધાને વિધાન પરિષદમાં અંતિમ સપ્તાહના પ્રસ્તાવની ચર્ચાનો ઉત્તર આપતાં આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને હાઈ કોર્ટના ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવાની માગણી નકારીને ઉમેર્યું હતું કે વડી અદાલતના ન્યાયાધીશો આ કામ માટે ઉપલબ્ધ થતા નથી. વધુમાં લોકાયુક્ત પણ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જ છે.

વિધાનગૃહોના ચોમાસુ અધિવેશનના આજે અંતિમ દિવસે વિધાન પરિષદમાં વિપક્ષી નેતા ધનંજય મુંડેએ પ્રકાશ મહેતા અને સુભાષ દેસાઈ વિરુદ્ધનાં કૌભાંડનો મુદ્દો ઊભો કર્યો હતો અને તેઓ બન્નેનાં રાજીનામાંની માગણી કરી હતી. એસ.આર.એ.માંના અનેક પ્રકલ્પોના ડેવલપર ઓમકાર બીલ્ડરને છૂટછાટો અપાઈ છે. તે શું સરકારનો જમાઈ છે? એવો પ્રશ્ન મુંડેએ પૂછીને ઉમેર્યું હતું કે મહેતાના ભ્રષ્ટાચારના દરરોજ નવાં પ્રકરણો બહાર આવી રહ્યાં છે. આમ છતાં મુખ્ય પ્રધાન તેઓને હોદ્દા પરથી હટાવવા તૈયાર નથી.

પ્રકાશ મહેતાનું `મ્હાડા' અને એસ.આર.એ. કૌભાંડ તેમ જ ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈનું એમઆઈડીસીનું જમીન કૌભાંડ તેમ જ અન્ય વહીવટી અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે ગૃહમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. આમ છતાં પ્રધાનોને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવતા નથી, તો ભ્રષ્ટાચારને કાયદેસર માન્યતા આપી દો, એમ મુંડેએ ઉમેર્યું હતું.

મુંડેએ આજે ગૃહમાં રાજ્યમાં વણસેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ટીકા કરતાં જણાવ્યું હતું કે કુખ્યાત ગૅન્ગસ્ટર અબુ સાલેમ જેલમાં વાપરતો હતો તે મોબાઈલ ગૃહમાં રજૂ કરીને સનસનાટી ફેલાવી દીધી હતી.