ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ બનતા વેન્કૈયા નાયડુ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 11 : રાષ્ટ્રપતિ ભવનમાં આજે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા એમ. વેન્કૈયા નાયડુને ઉપરાષ્ટ્રપતિપદના શપથ લેવડાવ્યા હતા ત્યાર બાદ નાયડુએ સંસદ ભવનમાં રાજ્યસભાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો અને કાર્યવાહીનું સંચાલન કર્યું હતું.

શપથગ્રહણ અગાઉ નાયડુએ સવારે રાજઘાટ પર મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાર બાદ તેમણે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને તેમ જ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચડાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાજ્યસભામાં નાયડુએ જ્યારે અધ્યક્ષપદ સંભાળ્યું ત્યારે તમામ સાંસદોએ ઊભા થઈને અને ટેબલ થપથપાવીને તેમનું અભિવાદન કર્યું હતું. વડા પ્રધાને વેન્કૈયા નાયડુનો પરિચય કરાવતાં જણાવ્યું હતું કે, કિસાનપુત્ર નાયડુ એવા પહેલાં ઉપરાષ્ટ્રપતિ છે જેમણે સ્વતંત્ર ભારતમાં જન્મ લીધો છે અને તેઓ સંસદની કાર્યવાહીની બારીકાઈઓથી પરિચિત છે. ત્રણેય સર્વોચ્ચ બંધારણીય હોદ્દાઓ એટલે કે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનપદ પર આવી પાશ્વભૂમિ ધરાવતી વ્યક્તિઓનું હોવું એ સ્વયં બંધારણની ગરિમા અને ભારતના લોકતંત્રની પરિપકવતા દર્શાવે છે. જેનું ભારતના સવાસો કરોડ દેશવાસીઓને ગર્વ છે, એમ મોદીએ વધુમાં જણાવ્યું હતું. આ ત્રણે હોદ્દા પર બેઠેલા લોકોની પાશ્વભૂમિ ગરીબી, ગામડું અને સામાન્ય પરિવારની છે. આ લોકો કોઈ શ્રીમંત પરિવારમાંથી આવ્યા નથી એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer