દાઉદ કરાચીમાં જ રહે છે
પાકિસ્તાનના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાને પણ સ્વીકાર્યું

નવી દિલ્હી, તા. 11 : ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં જ છે. એક અંગ્રેજી ચેનલના પત્રકારે કરાચીના એક નંબર ઉપર કોલ કર્યો હતો જેમાં સામે છેડે દાઉદ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. દાઉદને છેલ્લા લાંબા સમયથી શોધી રહેલી તપાસ એજન્સીઓએ પણ માન્યું છે કે, ટેલિફોનીક વાતચીતમાં અવાજ દાઉદ ઈબ્રાહિમનો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાને પણ દાઉદ પાકિસ્તાનમાં હોવાનું સ્વીકાર્યું છે. તેમણે કહ્યું હતું કે દાઉદને કદી ભારતને સોંપવામાં નહીં આવે.

અંગ્રેજી ચેનલના પત્રકારે બે મહિના અગાઉ કરાચીના એક ફોન નંબર ઉપર કોલ કર્યો હતો. જેનાથી દાઉદ અને તેના સાગરીતોનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી. અંગ્રેજી ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે દાઉદ કરાચીમાં શેખ ઈસ્માઈલ મર્ચન્ટના નામે વસે છે. આ દાવાને સાચો સાબિત કરવા માટે તપાસ કરવામાં આવી રહી હતી . આ તપાસ દરમિયાન દાઉદના કરાચીના નંબર હાથ લાગ્યા હતા.