7.5 ટકા ગ્રોથ રેટનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ

આર્થિક સર્વેક્ષણ વૉલ્યુમ-2 લોકસભામાં રજૂ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 11 : વર્ષ 2016-17નો ઈકોનોમિક સર્વે વૉલ્યુમ-2 આજે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ડૉલર સામે મજબૂત થયેલો રૂપિયો, ખેડૂતોની લોનમાફી અને ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ને લાગુ કરતી વખતે પડી રહેલી શરૂઆતની અડચણોના કારણે નિર્ધારિત 6.75થી 7.5 ટકાના ગ્રોથ રેટને હાંસલ કરવો મુશ્કેલ લાગે છે.

જોકે સર્વેમાં એવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીએસટીના અમલીકરણ, નોટબંધીની સકારાત્મક અસરો, ઍર ઇન્ડિયાના ખાનગીકરણના લેવામાં આવેલા નિર્ણય, સરકારી સબસિડીઓને ઓછી કરવાના પ્રયાસના લીધે અર્થતંત્રને વેગ મળશે.

નાણાકીય વર્ષ પૂરું થયા બાદ સૌપ્રથમ વાર રજૂ કરવામાં આવેલા 2016-17ના વર્ષના આર્થિક સર્વેક્ષણમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે 2018ના નાણાકીય વર્ષ માટે 6.75-7.5 ટકાની આર્થિક વૃદ્ધિનો અંદાજિત ઉચ્ચાંક હાંસલ કરવો મુશ્કેલ છે.

જાન્યુઆરીમાં રજૂ કરાયેલા સર્વેના પ્રથમ વોલ્યુમમાં અંદાજિત આર્થિક વૃદ્ધિ સમક્ષ ઓછું

જોખમ હતું.

ચોમાસું સત્રના છેલ્લા દિવસે લોકસભામાં નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા સર્વેમાં જણાવાયું હતું કે નાણાનીતિ હળવી બનાવવા પર્યાપ્ત અવકાશ છે અને રિઝર્વ બૅન્કે રિટેલ ફુગાવાની આગાહીમાં 14માંથી 6 વાર ભૂલ કરી છે.

ભારતીય અર્થતંત્રમાં માળખાકીય સુધારા અંગે આશાવાદ પુનર્જીવિત થયાની નોંધ સર્વેએ લીધી હતી. જીએસટીનો આરંભ, વિમુદ્રીકરણની સકારાત્મક અસર, ઍર ઈન્ડિયાના ખાનગીકરણનો સૈદ્ધાંતિક નિર્ણય, ઊર્જા સબસિડીમાં વધુ તર્કસંગતતા અને જોડિયા બેલેન્સશીટને હળવી બનાવવાના પગલાંએ આ આશાવાદને પ્રબળ બનાવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer