ઉત્તર પ્રદેશમાં 30 બાળકોનાં મૃત્યુ
ઉત્તર પ્રદેશમાં 30 બાળકોનાં મૃત્યુ ગોરખપુર મેડિકલ કૉલેજમાં અૉક્સિજન પુરવઠો બંધ

$ 69 લાખની રકમ નહીં ચૂકવાતાં સર્જાઈ ભયાનક કરુણાંતિકા : હૉસ્પિટલમાં સ્વજનોનું આક્રંદ

ગોરખપુર, તા.11: ઉત્તર પ્રદેશનાં ગોરખપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં છેલ્લા 48 કલાકમાં 30 ભૂલકાઓ કાળનો કોળિયો બની ગયા. ગોરખપુરની મેડિકલ કોલેજમાં બિલ બાકી હોવાનાં કારણે ઓક્સિજન પૂરો પાડતી કંપનીએ ઓક્સિજનનો પુરવઠો અટકાવી દેતાં 30 બાળકોનાં શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયા છે. આ ઘટનાને પગલે મેડિકલ કોલેજ અને ઓક્સિજન પૂરો નહીં પાડનારી કંપની સામે ચોમેર આક્રોશ ફાટી નીકળ્યો છે અને ફિટકાર વરસી રહ્યો છે. ફૂલ જેવા કુમળા બાળકો ખોઈ બેસતાં માવતરોના હૈયાફાટ રૂદને કરુણ દૃશ્યો સર્જયા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂર્વ મતવિસ્તાર ગોરખપુરમાં બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજન ખતમ થઈ ગયા બાદ લેણી નીકળતી રકમનાં વાંકે કંપનીએ વધુ પુરવઠો પૂરો પાડયો ન હતો. જેને પગલે આ પ્રાણવાયુ ઉપર જ જીવી રહેલા બાળકોનાં ટપોટપ મૃત્યુ થવા લાગ્યા હતાં. જો કે મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અમુક અહેવાલોમાં મૃતકોની સંખ્યા ઓછી ગણાવવામાં આવી રહી છે. ગોરખપુરની મેડિકલ કોલેજના ઓક્સિજનના  69 લાખ રૂપિયા બાકી હોવાના કારણે ઓક્સિજન પૂરો પાડતી કંપની દ્વારા પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. કંપનીની આ અપરાધિક હરકતનાં પાપ અને  મેડિકલ કોલેજની બેદરકારી અને ઓક્સિજન કંપની સામે ફિટકાર વરસી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. 

ગોરખપુરના  ડીએમ રાજીવ રાઉતેલાના કહેવા પ્રમાણે મૃતકોની સંખ્યા વધીને 30 થઈ છે. આ પહેલા 22 બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળ્યા હતા. કહેવાય છે કે, રાત્રીના સમયે ઓક્સિજન પુરવઠો બંધ થતા દર્દીઓને લીક્વિડ ઓક્સિજન આપવામાં આવ્યો હતો. જો કે તેનો જથ્થો પણ ખાલી થઈ જતા ટપોટપ મૃત્યુના બનાવો બન્યા હતા. બે દિવસ અગાઉ જ ઓક્સિજનની ઘટ પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નહોતો.