મસ્જિદ, મદરેસામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે
મુંબઈ, તા. 12 : રાષ્ટ્રગીત ગાઈ અને ઝંડાવંદન સહિત સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાનો નિર્ણય શહેરમાં કેટલાંક મદરેસા અને મસ્જિદોએ કર્યો છે.

ગ્રાંટ રોડમાં મદરેસા જામિયા અશરફિયા કદારિયાના વડા મૌલાના સઈ મોઈન અશરફ કાદરી (મોઈનઝિયા)એ તાજેતરમાં મૌલવીઓ અને ઈમામોની એક બેઠક બોલાવી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના એક ભાગરૂપે ઝંડાવંદન યોજવા તેમણે બેઠકમાં ઉપસ્થિતોને વિનંતી કરી હતી.

મદરેસા અને મસ્જિદ બહાર ઝંડાવંદન કરવા તથા રાષ્ટ્રગીત ગાવાનો નિર્ણય અમે કર્યો છે. આપણને સ્વાતંત્ર્ય અપાવનાર અનેક ઉલેમાઓ સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાનીને અમે યાદ કરશું, એમ મોઈન ઝિયાએ જણાવ્યું હતું. બેઠકમાં આ નિર્ણય સ્વૈચ્છિક લેવાયો હતો અને ભારપૂર્વક જણાવાયું હતું કે રાષ્ટ્રભક્તિ ઉપર કોઈ પણ રાજકીય કે ધાર્મિક જૂથની ઈજારાશાહી નથી.

મલાડ (પશ્ચિમ)માં નૂર મહેર ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ જ સ્કૂલ અને મદરેસા ચલાવનાર સઈદ અલીએ જણાવ્યું હતું કે અમે ઘણાં વરસોથી સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ.