મુંબઈના ખુલ્લા પ્લોટો પર પણ હવે નગરસેવકોની નજર

મુંબઈ, તા. 12 : 2014-34ના ડૅવલપમેન્ટ પ્લાન (ડીપી)ના મુસદ્દા અંગે બીએમસી અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓની બનેલી આયોજન સમિતિ દ્વારા બાંદરા રેકલેમેશન નજીક એક પ્લૉટ સરકારી સ્ટાફ ક્વાર્ટ્સ અને ઝૂંપડાંવાસીઓના પુનર્વસવાટ માટે અનામત રાખવામાં આવ્યો હતો તેમાં નગરસેવકોએ ફેરફાર કર્યા છે. મઝગાંવ, વિલેપાર્લે અને દહીંસરના પ્લોટ માટે પણ આજ પ્રકારે ફેરફાર કરવામાં આવ્યા છે. ડીપીના મુસદ્દામાં અનામત રખાયેલી ખુલ્લી જગ્યામાં રહેણાક મકાન, એસઆરએ પ્રોજેક્ટ અથવા ખાનગી ક્લબ હાઉસ બનાવવાની દરખાસ્તો પાલિકામાં જુદા જુદા પક્ષોના જૂથ નેતાઓની બેઠકમાં આવી હતી. રાજ્ય સરકારને સુપરત કરવા પૂર્વે આ દરખાસ્તો સુધરાઈની સામાન્ય સમિતિની મંજૂરી માટે આવી હતી. આ વિપરીત દરખાસ્તો વિરુદ્ધ લોકો ઊહાપોહ કરશે એવી દહેશતને કારણે જૂથ નેતાઓએ તેને ફગાવી દેવાની શરૂઆત કરી હતી, પરંતુ દબાણ કરી રહેલા અમુક નગરસેવકોને કારણે તેમણે ઝૂકી જવું પડયું હતું. ડીપીના મુસદ્દામાં 256 સુધારાને બહાલી આપવા અંગે નગરસેવકોમાં સર્વસંમતિ સધાઈ છે. ફક્ત આરે કૉલોની માટે મેટ્રો કારશેડની દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી.

અંગત લાભ માટે અનામત રખાયેલા ખુલ્લા પ્લોટમાં ફેરફાર કરવાની માગણી ઘણાં નગરસેવકોએ કરી હતી, એમ તેમની માગણી પરથી સ્પષ્ટ થાય છે, એવી કબૂલાત એક જૂથ નેતાએ કરી છે.

સુધરાઈના અધિકારીઓ સાથે જૂથ નેતાઓએ બેઠક યોજાઈ હતી અને તેમાં અનામત પ્લોટમાં ફેરફાર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જ્યારે પ્લોટના વર્તમાન દરજ્જાથી વાકેફ કરવા સુધરાઈના અધિકારીઓએ જૂથ નેતાઓને મદદ કરી હતી.

પોતાના પક્ષના નગરસેવકોને રાજી કરવા માટે ખુલ્લા પ્લોટ અંગે બાંધછોડ કરવાનો મોટા ભાગના નેતાઓએ વિરોધ કર્યો છે. તેમણે પરિપક્વતા દાખવી હતી અને કોઈ પણ દલીલ વિના મોટા ભાગની આવી દરખાસ્તો ફગાવી દીધી છે.

પાલિકામાં ભાજપના જૂથ નેતા મનોજ કોટકે જણાવ્યું હતું કે અમારું ધ્યાન બીજે દોરીને બોરીવલીમાં એક અનામત પ્લોટમાં ફેરફાર કરી ત્યાં ખાનગી ક્લબ હાઉસ બાંધવા એક નગરસેવકે ભલામણ કરી છે, પરંતુ અમને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો અને છેલ્લી ઘડીએ સુધારો પડતો મૂક્યો છે.

સમાજવાદી પક્ષના નેતા રઈસ શેખે જણાવ્યું હતું કે નગરસેવકોની દરખાસ્તો અંગે અમે વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી. જોકે, જેમાં કેટલાક દરખાસ્ત આગળ ધપાવતા હતા તો બીજા કેટલાક બીજી કોઈ બાબતે ધ્યાન કેન્દ્રિત કરતા હતા એવી રમત આ દરમિયાન થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer