લાલ કિલ્લાના દરેક વૃક્ષ પરથી કમાન્ડો રાખશે બાજનજર
લાલ કિલ્લાના દરેક વૃક્ષ પરથી કમાન્ડો રાખશે બાજનજર સ્વતંત્રતા દિવસ સમારોહની સુરક્ષાને લઈ કડક વ્યવસ્થા

નવી દિલ્હી, તા. 12 : સ્વતંત્રતા દિવસ સમારોહની સુરક્ષા અભેદ બનાવવા માટે આ વેળા લાલ કિલ્લાની અંદર અને બહારના તમામ વૃક્ષ પર કમાન્ડો તહેનાત કરવામાં આવશે. આ માટે લાલ કિલ્લા પરિસરમાંના 3140 વૃક્ષોમાંથી દરેકને સાંકેતિક કોડિંગના માધ્યમથી અલગ ઓળખ આપવામાં આવી છે. સાથે જ હેલિકૉપ્ટર હથિયારોથી સજ્જ કમાન્ડો ટીમ આકાશમાંથી પણ સુરક્ષાની કમાન સંભાળશે.

લાલ કિલ્લાની અંદરના 2400 વૃક્ષો પર અને બહાર 740 વૃક્ષો પર એક - એક ટીમ તહેનાત કરવામાં આવી છે. કમાન્ડો એકબીજાથી જ નહીં પણ સીધા કન્ટ્રોલ રૂમથી પણ સંપર્કમાં રહેશે. કન્ટ્રોલ રૂમમાં 25 પોલીસ કર્મચારીઓ મૂકવામાં આવ્યા છે. કન્ટ્રોલ રૂમને સીધો એનએસજી અને અન્ય સુરક્ષા એજન્સીઓથી સાંકળી લેવામાં આવ્યો છે.

પોતાના નિવાસસ્થાનથી લાલ કિલ્લા સુધી પહોંચનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વીઆઈપીઓના માર્ગ પર પણ ભારે બંદોબસ્ત મૂકવામાં આવશે. માર્ગ પર પોલીસે અત્યંત આધુનિક હથિયારોથી સજ્જ 14 વધુ કમાન્ડો વાહન `પરાક્રમ' મૂકશે. પોલીસના કાફલામાં પ્રથમ વેળા 10 `પરાક્રમ' વાહનો તહેનાત કરવામાં આવ્યા છે.

આતંકવાદી સુરક્ષાદળો અને સાધુના વેશમાં હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા છે તેમ જ આતંકવાદી સંગઠન હેલિકૉપ્ટર - ચાર્ટર સેવાઓ અને ચાર્ટર ઉડ્ડયનોનો ઉપયોગ કરીને હવાઈ હુમલાની તાકમાં હોવાનું જાણવા મળે છે.

સ્પેશિયલ કમિશનર દીપેન્દ્ર પાઠકના જણાવ્યા પ્રમાણે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનથી લઈ આકાશ સુધી સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે.

 * 20 હજાર સુરક્ષા કર્મચારીઓ લાલ કિલ્લા અને વીઆઈપી રૂટ પર મૂકવામાં આવશે.

* 500 સ્પેશિયલ કમાન્ડો લાલ કિલ્લા અને આસપાસના પરિસરમાં તહેનાત રહેશે.

* 600 સીસીટીવી કૅમેરા લાલ કિલ્લા અને આસપાસ મૂકવામાં આવ્યા છે.

સ્વાતંત્ર્યતા દિવસ પર આતંકવાદી ખાખી વરદીમાં ત્રાટકી શકે છે. આતંકવાદીઓના પ્રયત્ન આ વેળા ખાખી વરદીમાં સુરક્ષા ઘેરાને ભેદવાની છે. દેશની જાસૂસી એજન્સીએ આ સંદર્ભમાં દિલ્હી પોલીસને ઍલર્ટ કરી છે. હુમલાની કોઈ પણ શંકાને નિષ્ફળ બનાવવાની રણનીતિ પોલીસે તૈયાર કરી છે. એજન્સીને શંકા છે કે આ હુમલો કોઈ એકલ આતંકવાદી કરી શકે છે.