`પટેલ કી પંજાબી શાદી''ના સેટ પર ગુજરાતી ભાષાના વર્ગો

`પટેલ કી પંજાબી શાદી''ના સેટ પર ગુજરાતી ભાષાના વર્ગો
ફિલ્મ કલાકારો પોતાના પાત્રને અનુરૂપ બનવા માટે વિવિધ પ્રકારની તાલીમ લે છે. આમાં કસરતથી લઇને ચોક્કસ ભાષા તથા તેને બોલવાનો લહેકો શીખવાનો સમાવેશ થાય છે. લેખક દિગ્દર્શક સંજય છેલની ફિલ્મ `પટેલ કી પંજાબી શાદી'ના સેટ પર ગુજરાતી ભાષાના વર્ગો ચાલતા હોય એવું વાતાવરણ જોવા મળતું હતું. આ ફિલ્મમાં પંજાબી યુવક (વીર દાસ) ગુજરાતી યુવતી (પાયલ ઘોષ)ના પ્રેમમાં પડે છે. ફિલ્મમાં પરેશ રાવલ નાયિકાના અને રિશી કપૂર નાયકના પિતાની ભૂમિકા ભજવે છે. ગુજરાતી યુવતીના પ્રેમમાં રહેલા દીકરાની ઠેકડી ઉડાડવા રિશીએ કેટલાક સંવાદો ગુજરાતીમાં બોલવાના હોય છે. આથી તેમણે ગુજરાતી ભાષા અને તેના ઉચ્ચારો શીખવા પડયા હતા. નાયિકા પૂજા પટેલની ભૂમિકા ભજવતી પાયલ ઘોષ બંગાળી છે. આથી ગુજરાતી લહેકા સાથે સંવાદો બોલવાનું પાયલે પણ શીખવું પડયું હતું. પરેશ મૂળ ગુજરાતી છે. આથી તે અન્ય કલાકારોના શિક્ષકની ભૂમિકા ભજવતા હતા. વીર દાસે પણ પ્રેમિકા પૂજાને પ્રભાવિત કરવા કેટલાક સંવાદ ગુજરાતીમાં બોલવાના હતા. આથી તેણે પરેશ પાસેથી ગુજરાતીના પાઠ ભણવા પડયા હતા. આમ સેટ પર ગુજરાતી ભાષાના વર્ગો જેવો માહોલ સર્જાતો હતો.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer