રાયન પિન્ટોની આગોતરા જામીન અરજીની આજે સુનાવણી જૂથના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટરને કામચલાઉ રાહત

મુંબઈ, તા.12 (પીટીઆઈ) : ગુરગાંવની શાળામાં સાત વર્ષના બાળકની હત્યાના પ્રકરણમાં રાયન ઇન્ટરનેશનલ ગ્રુપના સ્થાપક અધ્યક્ષ ઓગસ્ટીન પિન્ટો (73) અને મૅનેજિંગ ડિરેક્ટર ગ્રેસ પિન્ટો (62)ની ધરપકડ આવતી કાલ સુધી નહીં કરવાની કામચલાઉ રાહત મુંબઈ વડી અદાલતે આપી છે. 

દરમિયાન આ જૂથના સી.ઈ.ઓ. રાયન પિન્ટોએ આજે સાંજે વડી અદાલતમાં આગોતરા જામીનની અરજી નોંધાવી છે.

ધારાશાત્રી નીતિન પ્રધાને જણાવ્યું હતું કે મારા અસીલ રાયન પિન્ટોની અરજીની સુનાવણી આવતી કાલે થશે.

ઓગસ્ટીન અને ગ્રેસ પિન્ટોની અરજીની આજે સવારે સુનાવણી સમયે ન્યાયાધીશ અજેય ગડકરીએ જણાવ્યું હતું કે અરજદારોની આવતી કાલ સુધી ધરપકડ થવી ન જોઈએ. મહારાષ્ટ્ર સરકારના વધારાના પબ્લિક પ્રોસિક્યુટરની વિનંતીને પગલે આ પ્રકરણની સુનાવણી એક દિવસ મુલતવી રાખવામાં આવી હતી.

વધારાના પબ્લિક પ્રોસિક્યુટર અરુણા કામત-પાઈએ જણાવ્યું હતું કે આ કેસ હરિયાણામાં નોંધાયો છે. તેથી હરિયાણા સરકારની બાજુ પણ સાંભળવી પડશે. તે અંગે ન્યાયાધીશ ગડકરીએ જણાવ્યું હતું કે ટ્રાનસીટ એન્ટિસિપેટરી જામીન માટે અદાલતે હરિયાણા સરકારની બાજુ સાંભળવી જોઈએ? અરજદારોને સંબંધિત અદાલતનો આશરો લેવા દો.

આમ છતાં પાઈએ વધુ સમયની જરૂર છે એવું કહેતા આ સુનાવણી કાલ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer