ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને વકીલ હરીશ બંભાણી ડબલ મર્ડર કેસની તપાસમાં પોલીસ સામે આક્ષેપ

ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને વકીલ હરીશ બંભાણી ડબલ મર્ડર કેસની તપાસમાં પોલીસ સામે આક્ષેપ
બંને મૃતકોના પરિવારો કહે છે કે વગદાર આરોપી ચિંતન તપાસને પ્રભાવિત કરે છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને વકીલ હરીશ બંભાણીના ડબલ મર્ડર કેસની તપાસ આગળ નથી વધતી તેમ જ પોલીસ અને પ્રશાસન આરોપીની તરફેણમાં કામ કરી રહ્યાંના ગંભીર આક્ષેપો હેમા અને હરીશના પરિવાર તરફથી આજે મુંબઈ પ્રેસ ક્લબમાં આયોજીત પત્રકાર પરિષદમાં કરાયા હતા. બંને પરિવારના વકીલ વિનોદ ગંગવાલ તરફથી કેટલાંક મુદ્દા પત્રકારો સમક્ષ રાખવામાં આવ્યા હતા.

પરિવારો તરફથી લેખિતમાં આ કેસની તપાસ વિષયક કેટલીક શંકાઓ ઉઠાવાઇ હતી જેમાં પાંચ મહત્ત્વના મુદ્દાઓ તેમના વકીલ ગંગવાલ તરફથી સામે રાખવામાં આવ્યા હતા. 

હેમા અને તેમના વકીલ બંભાણીની બેવડી હત્યાનો કેસ તત્કાલિન પોલીસ કમિશનરને સંતોષજનક કારણો વગર જ અચાનક કાંદિવલી પોલીસ પાસેથી લઇને ઘાટકોપર ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરી દીધો હતો. 

કાંદિવલી પોલીસની તપાસથી બંને પરિવારો સંતુષ્ટ હતા છતાં આરોપી અને હેમાના પતિ જાણીતા ચિત્રકાર ચિંતન ઉપાધ્યાયના સગાની વિનંતીથી પોલીસ કમિશનરે આ કેસ ઘાટકોપર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો હોવાનો આક્ષેપ કરાયો હતો. બંને પરિવારના વકીલ ગંગવાલે જણાવ્યું હતું કે કોઇ પણ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇને અન્ય વિસ્તારના પોલીસ સ્ટેશન કે અન્ય બ્રાન્ચને સોંપવાની વિનંતી ફરિયાદી પક્ષ કરી શકે, બચાવ પક્ષને આવો અધિકાર જ નથી. 

આ ઉપરાંત જ્યારથી ઘાટકોપર ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સુપરત કરાયો છે ત્યારથી આ કેસની તપાસ તસુભાર પણ આગળ નથી વધી. વધારાનું આરોપપત્ર દાખલ કરાયું તેમાં પણ માત્ર કાંદિવલી પોલીસે આ કેસમાં નોંધેલા નિવેદનો જ જોડવામાં આવ્યા છે, એમ વકીલે જણાવ્યું હતું. 

રાજ્યના અન્ય કેટલાંય મહત્ત્વના અન્ય કેસો કોર્ટમાં લડી રહેલા વકીલ રાજા ઠાકરે આ કેસના આરોપી ચિંતન ઉપાધ્યાયનો કેસ પણ લડી રહ્યાં છે. રાજા ઠાકરે ક્રાઇમ બ્રાન્ચમાં ઓળખાણ ધરાવે છે તેમણે પોતાની વગનો ઉપયોગ કરીને આ કેસની વિગતો ઘાટકોપર ક્રાઇમ બ્રાન્ચ પાસેથી લઇને આરોપી ચિંતનના લાભમાં તેનો ઉપયોગ કરી રહ્યાં છે, એવો આક્ષેપ પણ કરાયો હતો.

વધુ એક ગંભીર આક્ષેપમાં આ પરિવારો તરફથી જણાવાયું હતું કે ચિંતન હાલમાં જેલમાં બંધ છે અને જેલમાં હોવા છતાં કોર્ટની મંજૂરી લીધા વગર જ જેલર અને મુખ્ય પ્રધાનને પણ લાખો રૂપિયાના પોતાના ચિત્રો ભેટમાં આપીને આડકતરી રીતે આ કેસમાંથી રાહત મેળવવાનો તખ્તો ગોઠવ્યો છે. આ વાત એવું પુરવાર કરે છે કે આરોપી મોટી વગ ધરાવે છે અને જેલમાં રહેવા છતાં તપાસમાં અસર પહોંચાડી રહ્યો છે. જેલના સત્તાવાળાઓ લાખો રૂપિયાની ભેટ સ્વિકારે એ લાંચ જ ગણાવી જોઇએ, એવી માગણી કરાઇ હતી.  

કેટલાંક અખબારો અને ટીવી ચેનલો આ કેસ સંબંધી સમાચારો પ્રસારિત કરે છે તેમાં ચિંતનને જેલમાં ચિત્રો બનાવતો અને અન્ય કેદીઓને ચિત્રકામ શીખવતો હોવાનું દાખવવામાં આવે છે, આ રીતે લોકોમાં તેની હકારાત્મક પ્રતિભા ઉપસાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.  

આખરે આ પરિવારોએ અને વકીલે બંને મૃતકોને વહેલી તકે ન્યાય મળે અને આરોપીને આકરી સજા થાય એવી માગણી કરી હતી.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer