મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અનેક ઐતિહાસિક સોપાનોનું સર્જન કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 12 : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન શિન્ઝો આજે અમદાવાદ સાબરમતી ખાતે મુંબઈ-અમદાવાદ રેલ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત-જપાનનો પરસ્પર સહયોગ આ ક્ષેત્રે નવી દિશા ખોલી આપશે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અનેક ઐતિહાસિક સોપાનોનું સર્જન કરશે. અહીં નોંધવું ઘટે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા નવેમ્બર મહિનામાં જપાન પ્રવાસે ગયા ત્યારે જ અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલવેના સપનાને સાકાર કરવા ખાસ શીંન્કાન્સેન હાઇસ્પીડ રેલવેમાં ટોકિયોથી કોબે સુધી જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે સાથે મુસાફરી કરી અને કાવાસાકીના બુલેટ ટ્રેનના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. 

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ દ્વારા દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કોઇ પ્રોજેક્ટને આટલી સુવિધાપૂર્ણ  અને આકર્ષક નાણાં સહાય મળી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂા.1 લાખ કરોડથી વધુનો ગણવામાં આવે છે. આ પ્રોજેક્ટના 80 ટકાથી વધુ નાણાં સહાય જપાન સરકાર આપવાની છે. આ સહાય એટલી આકર્ષક અને સુવિધાપૂર્ણ છે કે, કોઇને પણ આશ્ચર્ય થાય. જપાન સરકાર રૂા.88 હજાર કરોડ જેટલી આર્થિક સહાય અત્યંત નહીવત એવા 0.1 ટકાના વ્યાજ દરે ભારતને આપશે. એટલું જ નહીં આ લોનની પુન: ચુકવણીનો સમય 50 વર્ષ જેટલો લાંબો રાખવામાં આવ્યો છે અને ગ્રેસ પીરિયડ એટલે કે પુન: ચુકવણીના છૂટના વર્ષોનો ગાળો પણ 15 વર્ષ રાખવામાં આવ્યો ચે. આટલી મોટી રકમ વર્લ્ડ બૅન્ક કે એવી કોઇ એજન્સી પાસેથી લેવામાં આવે તો 5થી 7 ટકાનો વ્યાજ દર અને પુન: ચુકવણી ગાળો 25 થી 35 વર્ષનો હોઇ શકે. એનો અર્થ એ થયો કે ભારતને આ પ્રોજેક્ટ માટે જે નાણાકીય સહાય જપાન તરફથી મળશે તે લગભગ ઝીરો કોસ્ટ હશે. 

માત્ર આર્થિક સહાય ક્ષેત્રે જ આ પ્રોજેક્ટ ઇતિહાસ સર્જશે એવું નથી. અનેક ક્ષેત્રે આ પ્રોજેક્ટથી નવા અધ્યાયની શરૂઆત થશે. જેમ કે હાઇસ્પીડ ટ્રેન નિર્મામ-સંચાલન ક્ષેત્રે કૌશલ્યવાન માનવબળ ઊભું કરવા વડોદરા ખાતે વર્ષ 2020 સુધીમાં ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટની સ્થાપના થશે. જે 4,000 જેટલા કર્મચારી ગણને તાલીમ આપી તૈયાર કરશે અને એવું કૌશલ્યવાન માનવબળનું સર્જન કરશે જે માત્ર હાઇસ્પીડ પ્રોજેક્ટનું સંચાલન જ નહીં, દેશમાં નવા પ્રોજેક્ટ પણ પોતાની સજ્જતાથી સાકાર કરી શકશે.

આજ રીતે શ્રમિકોને પણ તાલીમ આપવામાં આવશે. નવી ટેકનૉલૉજી સાથે સજ્જ શ્રમિકો દરિયાના પેટાળમાં ટેનલ બાંધવા જેવા અત્યાધુનિક કાર્યશ્રેત્રોથી માત્ર પરિચિત જ થશે એવું નથી. આથી કે ડગલું આગળ જપાન સરકાર ભારતીય રેલવેના 300 અધિકારીઓને આ પ્રોજેક્ટ માટે ખાસ તાલીમ આપશે. જે આગળ જતા અન્ય અધિકારી/ કર્મચારીઓને તૈયાર કરશે. 

આ પ્રોજેક્ટથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેઈક ઈન ઇન્ડિયાના અભિયાનને નવું બળ મળશે કારણ કે આ પ્રોજેક્ટમાં મોટાભાગના નાણાં ભારતમાં જ વાપરવામાં આવશે કે રોકાણ કરવામાં આવશે.  આ પ્રોજેક્ટથી બાંધકામ ક્ષેત્રે રોકાયેલા 20 હજાર શ્રમિકોને રોજગારી મળશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer