કેન્દ્રીય કર્મચારીઓને સરકારની ગિફટ : મોંઘવારી ભથ્થામાં એક ટકાનો વધારો

ગ્રેચ્યુઈટીની કરમુક્તિ મર્યાદા બમણી કરવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 12 : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ)માં એક ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે કર્મચારીઓને પાંચ ટકા ડીએ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ સિવાય કૅબિનેટે પેમેન્ટ અૉફ ગ્રેચ્યુઈટી (સંશોધન) બિલ, 2017ને સંસદમાં રજૂ કરવાની પરવાનગી આપી છે. આ બિલ પ્રાઈવેટ સેકટરમાં કામ કરતા કર્મચારીઓની કરમુક્ત ગ્રેચ્યુઈટી સીમા વધારવા માટે છે.

ડીએ તેમ જ પેન્શનરોને આપવામાં આવતા ડિયરનેસ રિલિફ (ડીઆર)માં એક ટકાનો વધારો પહેલી જુલાઈથી અમલમાં આવશે. આના લીધે આ વર્ષના આઠ મહિનામાં સરકાર પર 2045.50 કરોડનો બોજો પડશે. આગામી નાણાકીય વર્ષથી આ બોજો 3068.26 કરોડ રૂપિયાનો રહેશે. 49.26 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61.17 લાખ પેન્શનરોને આ નિર્ણયથી લાભ થશે. કૅબિનેટે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને આપવામાં આવતી ગ્રેચ્યુઈટીની રકમની સીમા 10 લાખથી વધારી 20 લાખ કરવાના બિલને મંજૂરી આપી છે. તેને હવે સંસદમાં રજૂ કરાશે.

પ્રાઈવેટ સેકટર, સાર્વજનિક સેકટરના વિવિધ લોક ઉપક્રમો, સરકાર હેઠળ આવતા સ્વાયત સંગઠનોના કર્મચારીઓ (જે કેન્દ્રીય સિવિલ સર્વિસ (પેન્શન) નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી)ની ગ્રેચ્યુઈટી સીમા કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી રૂા. 20 લાખ કરી છે.

હાલમાં કાયદા હેઠળ ગ્રેચ્યુઈટીની સીમા 10 લાખ રૂપિયા સુધીની છે. પેમેન્ટ અૉફ ગ્રેચ્યુઈટી એકટ, 1972 એ એકમોને લાગુ પડે છે જ્યાં 10 કે તેથી વધારે લોકો કામ કરે છે. આ કાયદામાં સુધારાનો આશય કર્મચારીઓને નિવૃત્તિ બાદ સામાજિક સુરક્ષા આપવાનો છે. વયમર્યાદા બાદ નિવૃત્ત થતા અથવા કામ કરતાં દિવ્યાંગ બનેલા લોકોની સુરક્ષા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં આ નિયમ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની જ ગ્રેચ્યુઈટીની રકમ મળી શકે તેવી સીમા છે. જેને વધારી દેવામાં આવી છે. આ નિયમ 2016ના જાન્યુઆરી મહિનાથી અમલી કરવામાં આવશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer