આતિથ્ય સત્કાર માટે થનગનતું રાજ્ય : કાલે બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન જપાનના વડા પ્રધાન આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

આતિથ્ય સત્કાર માટે થનગનતું રાજ્ય : કાલે બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન જપાનના વડા પ્રધાન આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.12: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આવતીકાલ તા.13મી સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓના આગમન માટે ગુજરાત આતિથ્ય સત્કાર માટે થનગની રહ્યું છે. આ માટે અમદાવાદ શહેરને નવી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાનનું આવતીકાલે બપોરે આગમન થશે. ત્યાંથી તેઓ આઠ કિ.મી. લાંબા રોડશો દ્વારા સીધા ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બન્ને મહાનુભાવો આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. આજ દિવસે સાંજે બન્ને વડા પ્રધાન અમદાવાદનું ઐતિહાસિક નજરાણા સમાન સીદી સૈયદની જાળીની મુલાકાત લેશે.

તા.14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના અત્યંત મહત્ત્વના અને દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું એથ્લેટિક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ત્યાંથી બન્ને મહાનુભાવો સીધા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવશે અને મહાત્મા મંદિર ખાતે દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી અૉડિયો વિઝ્યુયલ ઝાંખીનું ભવ્ય પ્રદર્શન છે. તેને રસપૂર્વક નીહાળીને ગાંધીજીના જીવન કવનને જાણશે. ત્યારબાદ દિવસ દરમિયાન જપાનના ડેલિગેશન સાથે ડેલિગેશન લેવલ ટોક, બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતા કાર્યક્રમો યોજાશે. તેમાં પણ બન્ને વડા પ્રધાન ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજે સાયન્સ સિટીની મુલાકાત લેશે. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer