રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીનો પલટ વાર કૉંગ્રેસ આત્મનિરીક્ષણ કરે

રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીનો પલટ વાર કૉંગ્રેસ આત્મનિરીક્ષણ કરે
પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા.12 : કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકાની બર્કલે વિશ્વવિદ્યાલયમાં આપેલા પ્રવચન અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, દેશના રાજકારણમાં પહેલો એવો પ્રસંગ છે જેમાં કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કૉંગ્રેસના પ્રમુખ સામે આંતરરાષ્ટ્રીય મંચ પરથી ટકોર કરી છે.

ભાજપના મુખ્યાલયમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના આંતરરાષ્ટ્રીય મંચ પરથી કરાયેલા પ્રવચનને સાંભળવાનો મોકો મળ્યો તો કેટલીક વાતો જાણવા મળી.

વર્ષ 2012માં રાહુલ ગાંધીને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે, કૉંગ્રેસ પાર્ટી અહંકારી થઈ રહી છે અને દેશના રાજકારણમાં પણ આ કદાચ પહેલો અવસર હશે, જેમાં કૉંગ્રેસના ઉપપ્રમુખ કૉંગ્રેસપ્રમુખની આંતરરાષ્ટ્રીય મંચ પરથી ટીકા કરી હોય. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી કદાચ એ વાત ભૂલી ગયા લાગે છે કે, 2012માં કૉંગ્રેસની લગામ તેના માતા સોનિયા ગાંધીના હાથમાં હતી.

એ વાતનો ઉલ્લેખ કરવો કે, શ્રીમતી ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ એરોગન્ટ (અહંકારી) થઈ ગઈ અને ચૂંટણી હારી ગઈ એ એક રીતે મોટી રાજકીય કબૂલાત છે. આ એક ચિંતનનો વિષય છે અને આ રીતે રાહુલ કૉંગ્રેસપ્રમુખ સામે સવાલ ઉપસ્થિત કરી રહ્યા છે.

શ્રીમતી ઇરાનીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવી એ રાહુલ ગાંધી માટે કોઈ નવી બાબત નથી, પરંતુ રાહુલ ગાંધીને હવે દેશમાં કોઈ સાંભળતું નથી એટલે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ તેઓ એ વાત ભૂલી રહ્યા છે કે, મતદાતા તો ભારતીય નાગરિકો જ છે જેમણે 2014માં મતદાન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પોતાનો વિશ્વાસ મૂક્યો છે.

હિન્દુસ્તાનમાં તો પરિવારવાદથી જ બધુ ચાલે છે એવું વિદેશમાં કહેનારા રાહુલ ગાંધી એ વાત ભૂલી જાય છે કે, આઝાદ ભારતમાં આજે પણ એવા ઘણાં નાગરિકો છે જેઓ અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન આપી રહ્યા છે, પરંતુ તેમની કોઈ રાજકીય વિરાસત નથી. સ્મૃતિ ઇરાનીએ દાખલો આપતાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ પરિવારમાંથી આવે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પણ દલિત પરિવારના છે અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ખેડૂત પરિવારના છે અને તેઓ પોતાના કર્તવ્ય ગુણવત્તા અને સંઘર્ષ બાદ આ મુકામ પર પહોંચ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓનું સર્વોચ્ચ બંધારણીય પદો પર પહોંચવું એ વાત સાબિત કરે છે કે, જાગૃત લોકતંત્રમાં પરિવારવાદ નહીં, પરંતુ મેરિટ અને ગુણવત્તાને સમાન હોય છે. કૉંગ્રેસે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, એમ ઇરાનીએ વધુમાં જણાવ્યું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer