અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કૉંગ્રેસ ઉપાધ્યક્ષનું ભાષણ વંશવાદનો બચાવ કરતા રાહુલ ગાંધી

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં કૉંગ્રેસ ઉપાધ્યક્ષનું ભાષણ વંશવાદનો બચાવ કરતા રાહુલ ગાંધી
2014માં અહંકારના લીધે કૉંગ્રેસનો પરાજય થયાનો એકરાર

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 12 : વિદેશની ધરતી પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા અને સાથે સાથે કૉંગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવારની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા રાહુલ ગાંધીના પ્રવચનને પગલે આજે આખો દિવસ કૉંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ છેડાયો હતો અને તમામે એ વાતની કબૂલાત કરી હતી કે કૉંગ્રેસના અહંકારને કારણે લોકસભાની ગઈ ચૂંટણીમાં તેની પડતી થઈ હતી. 

રાહુલ ગાંધીએ તેમના પ્રવચનમાં દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાવવા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં હાલ એવું વાતાવરણ છે જેમાં આઝાદ વિચારો ધરાવતા પત્રકારોની હત્યા કરાય છે અને ગૌમાંસની શંકા પરથી મુસ્લિમોને મારી નાખવામાં આવે છે.

બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચન દ્વારા પોતાના બે સપ્તાહના અમેરિકાના પ્રવાસની શરૂઆત કરતાં રાહુલ ગાંધીએ એવો સંકેત આપ્યો હતો કે તેઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા માટે ખુલ્લું મન ધરાવે છે.

આ સંદર્ભમાં પુછાયેલા એક સવાલનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ કૉંગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર બનવા સંપૂર્ણ રીતે તૈયાર છે પરંતુ અમારી એક સંસ્થાકીય ચૂંટણી પ્રક્રિયા હોય છે જે નક્કી કરે છે અને તે હાલ ચાલુ છે. આ અંગેનો નિર્ણય કૉંગ્રેસ પક્ષે લેવાનો છે.

પોતે રાજવંશના વારસદાર હોવાના આક્ષેપ અંગે રાહુલ ગાંધીએ રમૂજભર્યો ઉત્તર આપ્યો હતો જેનાથી શ્રોતાઓનું મનોરંજન થયું હતું.

`વંશવાદનું રાજકારણ એ તમામ રાજકીય પક્ષોની સમસ્યા છે. અખિલેશ યાદવ (મુલાયમસિંહ યાદવ, ડીએમકેમાં એમ કે સ્ટાલીન (એમ કરુણાનિધિના પુત્ર), અભિષેક બચ્ચન (બૉલીવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર), મુકેશ અને અનિલ અંબાણી (ધીરુભાઈ અંબાણીના પુત્રો) અને અનુરાગ ઠાકુર વગેરે વંશના વારસદારોના કેટલાંક ઉદાહરણો છે. આવી રીતે જ આખો દેશ ચાલે છે. એટલે એકલા મારી પાછળ ન પડો. ખરો સવાલ એ છે કે એ વ્યક્તિ સક્ષમ અને સંવેદનશીલ છે કે નહીં' એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

2014ની ચૂંટણીમાં કોંગ્રેસે જે માર ખાધો તે અંગે રાહુલે કહ્યું હતું કે 2012માં કૉંગ્રેસમાં અહંકાર વ્યાપ્યો હતો. અમે લોકોથી દૂર જતા રહ્યા હતા અને તેથી 2014ની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો હતો. જોકે  પરિણામો આત્મસંતુષ્ઠ રહ્યા હતા અને હવે પક્ષના પુન:ઘડતર માટે અમારે એવી દૃષ્ટિ ઘડવાની જરૂર છે જેને અમે આગળ ધપવા ખપમાં લઈ શકીએ. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં તેના પર તિરસ્કાર, ક્રોધ, હિંસા અને ધ્રુવીકરણનું રાજકારણ ફેલાવવાનો આરોપ મૂકયો હતો. પત્રકાર ગૌરી લંકેશની હત્યા અને ગૌમાંસની શંકા પરથી ટોળા દ્વારા કરાતી હિંસાનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આના પરથી લાખો લોકોને એવું લાગી રહ્યું છે કે તેમના પોતાના દેશમાં તેમનું કોઈ ભાવિ નથી.

રાહુલ ગાંધીએ નોટબંધી સંદર્ભે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેના કારણે ભારતીય અર્થતંત્રના વિકાસના બે ટકા નીકળી ગયા હતા. આ ઘટાડાથી કૃષિને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઈ હતી, એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.

રાહુલ ગાંધીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમની વિશ્વસનીયતા ખતમ કરી નાખવા અને તેમને મૂર્ખ અને બિનકાર્યક્ષમ બતાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક હજારથી વધુ લોકોની ફોજ ધરાવે છે.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer