મહારાષ્ટ્રમાં શુક્રવારે દસ લાખથી વધુ વિદ્યાર્થી ફૂટબૉલ રમશે
મુંબઈ, તા.13 : ભારતમાં આવતા મહિને 17 વર્ષ કરતાં ઓછી વયના ફૂટબૉલના ખેલાડીઓ માટે વિશ્વકપ સ્પર્ધા માટે વાતાવરણ ઊભું કરવા માટે આવતી 15મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની બધી શાળામાં ફૂટબૉલ રમાશે. તે એક જ દિવસે રાજ્યમાં દસ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ફૂટબૉલ રમશે, એમ મહારાષ્ટ્રના રમતગમત ખાતાના પ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું છે. તાવડેએ જણાવ્યું હતું કે 15મી સપ્ટેમ્બરે સવારે 9.30 વાગે મુંબઈ જિમખાના ખાતે રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે `મહારાષ્ટ્ર મિશન-એક મિલિયન' મહોત્સવનો પ્રારંભ થશે. તે દિવસે મુંબઈ જિમખાનામાં યુવતીઓ, યુવકો, મુંબઈના ડબાવાળા, અંધ વિદ્યાર્થીઓ, આદિવાસીઓ અને પત્રકારો વચ્ચે એમ કુલ આઠ ફૂટબૉલ મૅચ રમાશે.