ભારતની સપાટ વિકેટો પર સ્પિનરો સામે રમવું મુશ્કેલ નથી : ક્લાર્ક
ભારતની સપાટ વિકેટો પર સ્પિનરો સામે રમવું મુશ્કેલ નથી : ક્લાર્ક નવી દિલ્હી, તા.13: હજુ સપ્તાહ પહેલા જ બંગલાદેશ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સ્પિન બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી. ભારત સામેની વન ડે શ્રેણીમાં પણ કાંગારુ ટીમની સ્પિનરો સામે કસોટી થવાની છે. જો કે ઓસિ. ટીમના પૂર્વ સુકાની માઇકલ ક્લાર્કનું માનવું છે કે ભારતમાં વન ડે શ્રેણીમાં સપાટ પીચો મળવી નિશ્ચિત છે. ટેસ્ટ અને વન ડેમાં પરિસ્થિતિ અલગ અલગ હોય છે. ક્લાર્કે એમ પણ કહ્યં કે હવે દુનિયાભરમાં વન ડે અને ટી-20માં બેટિંગને ધ્યાને રાખીને સપાટ પીચો બને છે. આથી ભારતમાં વન ડે શ્રેણી દરમિયાન કાંગારુ બેટધરોને સ્પિનરો સામે વાંધો આવશે નહીં.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 2013માં ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 300થી 350નો સ્કોર કર્યો હતો અને આવા સ્કોરનો પીછો પણ કર્યો હતો. કલાર્કે કહ્યં કે જો ઓસ્ટ્રેલિયા પહેલો મેચ જીતશે તો તેની પાસે શ્રેણી જીતવાનો સારો મોકો રહેશે. અશ્વિન અને જાડેજા પહેલા ત્રણ મેચમાં ન હોવાથી ઓસ્ટ્રેલિયાનો ફાયદો થશે. ક્લાર્કે કુલદિપ યાદવને પ્રતિભાશાળી સ્પિનર ગણાવ્યો હતો. કલાર્કે સ્વીકાર્યું કે મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડને ઓસિ.ને ખોટ પડશે.