અનાજ-કઠોળના અનરજિસ્ટર્ડ બ્રાન્ડનાં વેચાણ પર જીએસટી લાગુ પડે નહીં : ગ્રોમા

મુંબઈ, તા. 13 : જે વેપારીઓ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ અનાજ ધાન્ય અને કઠોળનું વેચાણ કરે તેમણે સીજીએસટી એક્ટની કલમ 23 અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નથી, એવી સલાહ ગ્રોમાએ વેપારીઓને આપી છે.

જોકે આ બાબતે જાગૃતિ નહીં હોવાથી બજારના અનેક સપ્લાયર્સ, આયાતકાર તેમ જ મિલર્સ આ જીએસટી મુક્ત માલ અનરજિસ્ટર્ડ ડીલરોને વેચવા માટે તૈયાર નથી. તેમ જ ખરીદદારો પણ આવા પ્રકારનો માલ અનરજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી ખરીદવા માટે તૈયાર નથી.

આ બાબતે જીએસટીના કમિશનર સાથે ગ્રેઈન, રાઈસ એન્ડ ઓઈલ સિડ્સ મર્ચન્ટ એસોસિયેશન (ગ્રોમા)એ ચર્ચા કરતાં કમિશનરે સ્પષ્ટતા આપી કે બ્રાન્ડ વગરનાં અનાજ ધાન્ય અને કઠોળના વેપાર માટે જીએસટી નંબર લેવાની જરૂર નથી. ખરીદદાર તેમ જ વેચાણકારે આંતરરાજ્યમાં અનરજિસ્ટર્ડ ડીલર્સ સાથે રજિસ્ટર્ડ બ્રાન્ડ નામ વગરનાં અનાજ ધાન્ય અને કઠોળના વેપાર માટે જીએસટી કાયદા અંતર્ગત કોઈ આર્થિક જવાબદારી નથી. તેમ જ આવા પ્રકારના માલ માટે આંતરરાજ્યમાં પરિવહન માટે ઈ-વે બિલ બનાવવાની પણ જરૂર નથી.

આથી ગ્રોમાએ દરેક ગ્રાહકો, સપ્લાયર્સ, મિલર્સ, આયાતકાર, કેનવાસિંગ એજન્ટો, બ્રોકર્સ તેમ જ પરિવાહકને અનરજિસ્ટર્ડ ડીલર્સ પાસેથી જીએસટી નંબર વિના રજિસ્ટર્ડ બ્રાન્ડ નામ વગરનાં અનાજ ધાન્ય અને કઠોળની ખરીદી, વેચાણ અને પરિવહન ચાલુ રાખવા માટે જણાવ્યું હતું. જોકે તેમણે ફક્ત પૅન નંબર સાથે રાખવો પડશે. 

સરકારે સીજીએસટી એક્ટની કલમ 23ની છૂટ આપી હોવાથી રજિસ્ટર્ડ બ્રાન્ડ વગરની જણસો જેવી કે અનાજ ધાન્ય અને કઠોળની ખરીદી કે વેચાણ માટે જીએસટી એક્ટ અથવા ફરજિયાત જીએસટી નંબરનો પ્રશ્ન જ આવતો નથી, એમ ગ્રોમાના માનદ મંત્રી અશોક બડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer