એપ્રિલ-અૉગસ્ટ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાંથી રૂા. 300 કરોડની જાવક
નવી દિલ્હી, તા. 13 : ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માંથી સતત રોકાણ ઓછું થઈ રહ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-અૉગસ્ટ દરમિયાન રોકાણકારોએ રૂા. 300 કરોડ આ સાધનમાંથી ઉપાડીને ઈક્વિટીને અગ્રતા આપી છે.

છેલ્લાં ચાર વર્ષથી ગોલ્ડ ઈટીએફમાં ટ્રેડિંગ મંદ રહ્યું છે. 2016-17માં રૂા. 775 કરોડની જાવક, 2015-16માં રૂા. 903 કરોડ, 2014-15માં રૂા. 1,475 કરોડ અને 2013-14માં રૂા. 2,293 કરોડની જાવક થઈ છે.  બીજી બાજુ ઈક્વિટી અને ઈક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ઈએલએસએસ)માં વર્તમાન નાણાકીય વર્ષના પહેલા પાંચ મહિનામાં રૂા.61 હજાર કરોડ ઉમેરાયા છે. જેમાં ફક્ત ગયા મહિને જ રૂા. 20 હજાર કરોડનું રોકાણ થયું હતું. આ વર્ષે શૅર માર્કેટ પણ ઊંચે જઈને નવી ટોચને સ્પર્શી છે.

અમેરિકામાં મંદ દર વધારો તેમ જ 2018 સુધીમાં યુરોપમાં સંકોચનની સંભાવના હોવાથી રોકાણ અસ્ક્યામત તરીકે સોનું પોતાનું મહત્ત્વ ગુમાવી રહી છે, એમ ફંડ્સઈન્ડિયા.કોમની મ્યુચ્યુઅલ ફંડ રિસર્ચ હેડ વિદ્યા બાલાએ જણાવ્યું હતું. જ્યારે ડેબ્ટ અસ્ક્યામત તરીકે ઊંચી ઊપજ આપે છે ત્યારે સોનામાં આમ થતું નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું. 

ગોલ્ડ ઈટીએફ નિક્રિય રોકાણનું સાધન છે જે ફિઝિકલ હોલ્ડની ભાવની વધઘટ અને રોકાણ પર આધાર રાખે છે. બાલાએ જણાવ્યું કે, ભારતમાં સોનાની પરંપરાગત માગ હોવાથી વૈશ્વિક સોનાના ભાવને ટેકો મળે છે પણ ભારતીય ઈક્વિટી બજારને જોતા સોનાને રોકાણ તરીકે ગણી શકાય નહીં. વૈશ્વિક દર કડક છે અને મજબૂત ભારતીય ઈક્વિટી બજારના લીધે સોનાની સ્થિતી સામાન્ય રહેશે. વધુમાં, ડિમોનેટાઈઝેશન અને રૂપિયો મજબૂત થતા સોનાની નીચી કિંમત રહી છે, જોકે આ કિમતી ધાતુની આયાત વધશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.