શૅરબજારની તેજીએ સોનાની વૃદ્ધિ અટકાવી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 13 : વૈશ્વિક શૅરબજારોમાં તેજી અને ડૉલરમાં સુસ્તી વચ્ચે સોનાના ભાવ મક્કમ થઇ ગયા છે. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1333 ડૉલરના સ્તરે રનીંગ હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા સામે સંયુક્તપણે આકરાં પગલાં લેવામાં આવશે તેવું નિવેદન કર્યું હતું. એની હકારાત્મક અસર સોના પર પડી હતી. ટ્રમ્પે યુનાઇટેડ નેશન સમક્ષ ઉત્તર કોરિયાના મિસાઇલ પરિક્ષણને મૂક્યું હતું અને તેની વિરુદ્ધ કોઇ નાનું પણ આકરું પગલું લેવા કહ્યું હતું. જોકે, હવે એકંદરે કોરિયાનો મુદ્દો સાઇડલાઇન થઇ ચૂક્યો છે. જોકે, સોનાને ભૂરાજકીય કારણો વચ્ચે ટેકો તો મળી જ જશે.

એશિયાઇ શૅરબજારોમાં તેજીનું વાતાવરણ છે. લોકો હવે જોખમી એસેટ તરફ વળવાનું પસંદ કરી રહ્યા છે એટલે સોનાની માગ હાલમાં ઓછી રહેવાની સંભાવના છે.

અમેરિકી ડૉલરનું મૂલ્ય બે દિવસથી નબળું પડયું છે. ગયા અઠવાડિયામાં ડૉલરને મેળવેલી મજબૂતી ગૂમાવી દીધી છે એટલે સોનું 1325 ડૉલરની ટેકારૂપ સપાટી ઉપર ટકેલું છે. નજીકના ભવિષ્યમાં અમેરિકાના વ્યાજદરમાં વધારો થવાનું જોખમ નથી. અમેરિકા હવે ડિસેમ્બરની બેઠક સિવાય દરમાં ફેરફાર કરે તેમ નથી એટલે ડૉલરમાં મોટી તેજી કઠિન દેખાય છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો મંગળવારે 0.35 ટકા વધીને 838.64 ટન રહી હતી.

સોનાનો ભાવ રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધતાનો રૂા.100 વધીને રૂા. 30,450 હતો. ચાંદીનો ભાવ ન્યૂ યોર્કમાં 17.90 ડૉલર રનીંગ હતો. સ્થાનિક ચાંદી એક કિલોએ રૂા. 200 ઊંચકાતા રૂા.41000 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer