પ્રોફિટ બુકિંગને પગલે સેન્સેક્ષ - નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા
અૉઈલ કંપનીઓના શૅર્સ પટકાયા  

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13  : પ્રોફિટ બુકિંગને કારણે મુખ્ય સૂચકાંકોના ઈન્ટ્રા-ડે લાભનું ધોવાણ થતાં ફ્લેટ બંધ રહ્યા હતા. જોકે, કેટલાક ઈન્ડેક્સના મુખ્ય શૅર્સના ટેકાને કારણે ઘટાડો અટક્યો હતો. 

સત્ર દરમિયાન નિફ્ટી 50 સર્વોચ્ચ ટોચે 10,137.85 પોઈન્ટ્સ ઉપર પહોંચ્યો હતો અને છેલ્લા કલાકમાં અફરાતફરી થઈ તે પહેલાં 10,131.95 પોઈન્ટ્સ થયો હતો. 

આજે 51 શૅરનો નિફ્ટી 50 - 13.75 પોઈન્ટ્સ અથવા 0.1 ટકા ઘટીને 10,079.30 પોઈન્ટ્સ અને સેન્સેક્ષ 27.75 પોઈન્ટ્સ અથવા 0.1 ટકા વધીને 32,186.41 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. મોટાભાગની વિકાસશીલ બજારોમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બપોરે 3.15 કલાકે એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સ 0.2 ટકા ઘટયો હતો. 

સરકારી ઓઈલ રિફાઈનર્સ, મેટલ કંપની અને આઈટીસીના શૅરને કારણે ઈન્ડેક્સને વધુ ફટકો પડયો હતો. 

સ્થાનિક બ્રોકરેજનાં સૂત્રો મુજબ ઈન્ડેક્સ તેની ટોચ ઉપર છે અને આગળ વધવા માટે નોંધપાત્ર ટેકો જરૂરી છે. નિફ્ટી 50 આજે તેની સર્વોચ્ચ ટોચ વટાવવામાં નિષ્ફળ રહ્યો તે સૂચવે છે કે ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ થયું છે. 

તેમણે ઉમેર્યું કે બ્લુ-ચીપ શેર્સની સરખામણીએ મિડ-કેપ અને સ્મોલ -કેપ શેરમાં વધુ પ્રોફિટ બુકિંગ થયું હતું. 

આજે નિફ્ટી મિડકેપ 100 ફ્રી ફ્લોટ અને નિફ્ટી સ્મોલ કેપ 100 ફ્રી ફ્લોટ ઈન્ડેક્સ અનુક્રમે 0.6 ટકા અને 0.9 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

ભારત પેટ્રોલિયમ કોર્પ અને ઈન્ડિયન ઓઈલ કોર્પના શેર 4.4 - 6.3 ટકા ઘટયા હતા અને નિફ્ટી 50 ઉપર સૌથી વધુ ઘટનાર શૅર હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમનો શેર 5.1 ટકા ઘટયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને હજી વધુ વહન કરવાનું સરકાર જણાવશે એવા ભયે આ શૅર ઘટયા હતા.    સરકાર ઈચ્છે છે કે તેલ કંપનીઓ ભાવ વધારો ગ્રાહકો ઉપર નાંખવાને બદલે પોતે વહન કરે કારણકે તેનાથી ફૂગાવાનું જોખમ વધશે.

જીએસટી અમલમાં આવવાથી સિગારેટના વોલ્યુમ ઉપર નોંધપાત્ર દબાણ આવ્યું હોવાના અહેવાલે આઈટીસીનો શૅર 2.2 ટકા ઘટયો હતો.  સતત આઠ સત્રમાં વધ્યા પછી નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.1 ટકા ઘટયો હતો. મેટલ શેર્સ પ્રોફિટ બુકિંગને કારણે પછડાયા હતાં.

એક એનલિસ્ટે કહ્યું કે રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ્સ અને કન્ઝ્યુમર ગુડ્સમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. 

યુએસ ડ્રગ રેગ્યુલેટર દ્વારા તરફેણકારક અહેવાલો મળવાને કારણે ફાર્મા કંપનીના શેર સતત બીજા સત્રમાં વધ્યાં હતાં. આજે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.6 ટકા વધીને ક્ષેત્રીય ઈન્ડેક્સમાં ટોચ ઉપર રહ્યો હતો. સન ફાર્માના શેરમાં 4.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. 

તાતા પાવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં થયેલી વૃદ્ધિને કારણે પણ ઈન્ડેક્સને ટેકો મળ્યો હતો. આરઆઈએલના શેર 3.1 ટકા વધીને રૂા. 859.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યાં હતાં. તાતા પાવરના શૅરમાં 4.7 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના શૅરમાં ચાર ટકાનું ગાબડું પડયું હતું. કંપની સામે એરિક્સન ઈન્ડિયાએ ઈન્સોલ્વન્સીની પિટીશન ફાઈલ કરી છે.

 નિફ્ટી 50ના 51 શૅરમાંથી 19 વધ્યાં હતાં અને 32 ઘટયાં હતાં. સેન્સેક્ષના 31 શૅરમાંથી 26 શૅર વધ્યાં હતાં અને પાંચ ઘટયાં હતાં. એનએસઈમાં 489 શૅર વધ્યા હતા, 973 શેર ઘટયા હતા અને 58ના ભાવ યથાવત રહ્યાં હતાં. બીએસઈ ઉપર 1010 શૅર વધ્યા હતા, 1596 શૅર ઘટયા હતા અને 159 શૅરના ભાવ યથાવત રહ્યા હતા.