આરબીઆઇના અભ્યાસનું તારણ ખાનગી રોકાણમાં ગુજરાત નંબર વન

મુંબઇ, તા. 13 : ગુજરાતમાં 2016-17ના વર્ષમાં કુલ ખાનગી કૉર્પોરેટ રોકાણ સૌથી વધુ આવ્યું હોવાનું રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક હાથ ધરેલા અભ્યાસમાં જણાવ્યું છે.

કુલ ખાનગી રોકાણમાં ગુજરાતમાં થયેલું રોકાણ 22.7 ટકા હતું, જ્યારે મહારાષ્ટ્રમાં આ પ્રમાણ 8.6 ટકા હતું, એમ અભ્યાસે જણાવ્યું હતું.

રિઝર્વ બૅન્કના સપ્ટેમ્બરના માસિક બુલેટિનમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે 2016ના વર્ષમાં આંધ્ર પ્રદેશમાં આ રોકાણનું પ્રમાણ 12.3 ટકા હતું, જે ઘટીને 8.2 ટકા થયું હતું.

છેલ્લાં પાંચ વર્ષના આંકડાઓએ દર્શાવ્યું છે કે ગુજરાત, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં 62 ટકા પ્રોજેક્ટ્સ સવિશેષ હાથ ધરવામાં આવ્યા હતા.

2017-18ના પ્રથમ છ મહિનામાં વીજળી અને બાંધકામ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાનું ચાલુ રહેતાં દેશના અર્થતંત્રમાં નવા રોકાણ માટે નજીકના ભવિષ્યમાં ઉજળું ચિત્ર જણાય છે. ડેટના ખાનગી પ્લેસમેન્ટને વેગ મળ્યો છે અને આથી એક વર્ષમાં ધિરાણને વેગ આપવો જોઇએ, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.

2017ના વર્ષમાં પ્રોજેક્ટ પાછળનો કુલ ખર્ચ રૂા. 1,82,800 કરોડ હતો કે જે 2016માં રૂા. 91,800 કરોડ હતો. આમ, એક જ વર્ષમાં રકમ બમણી થઇ ગઇ છે. 2017ના વર્ષની સરખામણીમાં 2018ના વર્ષમાં મૂડીરોકાણમાં સહેજ સુધારો (રૂા. 69,400) થવાની રિઝર્વ બૅન્કને ધારણા છે. 2017ના વર્ષ માટેના અંદાજિત સ્તરને અનુરૂપ થવા નવા રોકાણમાંથી વધારાનું રૂા. 85,000 કરોડનું રોકાણ આવશે.

નવા પ્રોજક્ટ્સની જાહેરાતમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોસમી ઘટાડા છતાં જીએસટી અને વિદેશી રોકાણ સંબંધિત બિઝનેસની વલણને અનુલક્ષી રોકાણની સ્થિતિમાં સુધારો થવાની રિઝર્વ બૅન્કને ધારણા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer