મહારાષ્ટ્રની બંધ પડેલી 40થી વધુ ખાંડ મિલોને ફરી શરૂ કરવામાં આવશે
મુંબઇ, તા. 13 : રાજ્યના માંદા અને બંધ પડેલાં સહકારી ખાંડ કારખાનાંઓને ફરી શરૂ કરવાની યોજના દેવેન્દ્ર ફડણવીસ સરકાર તૈયાર કરી રહી છે. જેમાં ખાંડ મિલોને હસ્તગત કરી તેને ફરી શરૂ કરી શકે તેવા સાહસિકોને ભાડે આપવાની બાબત કેન્દ્રસ્થાને છે.

ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટું -બીજા ક્રમનું રાજ્ય છે. રાજ્યના ખાંડ કારખાનાંનો પ્રભાવ રાજકારણ ઉપર પણ વિશેષ રહ્યો છે પણ પાછલા ભૂતકાળમાં અનેક સહકારી ખાંડ કારખાનાં બંધ પડયાં છે, વેચાઇ ગયાં છે અથવા લિલામ થયાં છે.

હવે મુખ્ય પ્રધાન ફડણવીસે રાજ્યના સુગર કમિશનર સંભાજી કડુ-પાટીલના નેજા હેઠળ એક સમિતિની રચના કરી છે. જે રાજ્યની બંધ પડેલી કમસેકમ 40 ખાંડ મિલોની અસ્કયામતોનું આર્થિક અને ટેકનિકલ મૂલ્યાંકન કરી 20મી સપ્ટેમ્બર સુધીમાં અહેવાલ આપશે. રાજ્ય સરકાર આ ખાંડ મિલો હસ્તગત કરી તેને લીઝ પર આપી શકે કે નહીં તે વિશે આ સમિતિ ભલામણો આપશે, એમ પાંચ સભ્યોની સમિતિના એક સભ્યએ જણાવ્યું હતું.

સરકાર આ સહકારી ખાંડ મિલોને ફરી શરૂ કરી શકે અથવા તેની ડૂબેલી લોન સામે અસ્કયામતો હસ્તગત કરી તેને નવેસરથી કાર્યાન્વિત કરી શકે છે કે નહીં તે જોવા આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી છે.