રાયન ગ્રુપના ટ્રસ્ટીઓને અપાયેલી વચગાળાની રાહત વધુ એક દિવસ લંબાવાઈ

રાયન ગ્રુપના ટ્રસ્ટીઓને અપાયેલી વચગાળાની રાહત વધુ એક દિવસ લંબાવાઈ
મુંબઈ, તા.13 (પીટીઆઈ) : રાયન ઇન્ટરનેશનલ ગ્રુપના ટ્રસ્ટીઓની ધરપકડ સામે વચગાળાની રાહત મુંબઈ વડી અદાલતે આવતી કાલ સુધી લંબાવી છે. જોકે, ગ્રુપના ગુરુગ્રામ કેમ્પસમાં સાત વર્ષના જે બાળકની હત્યા થઈ હતી તેના પિતા બરુન ઠાકુરે આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો.

વડી અદાલતના ન્યાયાધીશ અજેય ગડકરીએ બરુન ઠાકુરને ધરપકડ પૂર્વેના જામીનની અરજીનો વિરોધ કરતી ઇન્ટરવિનિંગ એપ્લિકેશનની નકલ ટ્રસ્ટીઓને આપવાની સૂચના આપી હતી.

શાળાના ટ્રસ્ટીઓ ઓગસ્ટિન પિન્ટો અને ગ્રૅસ પિન્ટો અને સીઈઓ રાયન પિન્ટોના ધારાશાત્રી સુશીલ ટેકરીવાલે ન્યાયાધીશ સમક્ષ પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યા અંગે દલીલો કરવાની શરૂઆત કરી ત્યારે અપરાધ હરિયાણામાં બન્યો છે, તે આ અદાલતના કાર્યક્ષેત્રમાં આવતું નથી. આ અરજી માત્ર ટ્રાનસીટ જામીન માટે છે. તેથી હું કેસ વિશે દલીલોની સુનાવણી કરી ન શકું.

બરુન ઠાકુરે જણાવ્યું હતું કે મારા પુત્ર પ્રદ્યુમ્નની આઠમી સપ્ટેમ્બરે સવારે શાળામાં ક્રૂરતાપૂર્વક, ઠંડાકલેજે, માફ કરી ન શકાય અને બિન ઉશ્કેરણીજનક હત્યા કરવામાં આવી છે. તે સમયે અમે શાળાના રોજબરોજના કામમાં સંકળાયેલા નથી. તેથી અમે ગુનામાં સહભાગી નથી એવી ટ્રસ્ટીઓની દલીલ આઘાતજનક છે. જમીન ઉપરના અને કપડાં ઉપર લોહીના ડાઘ ધોઈ નાખીને પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે, એમ ઠાકુરે ઉમેર્યું હતું.

પિન્ટો પરિવારે વડી અદાલતને જણાવ્યું હતું કે પ્રદ્યુમ્નનું મૃત્યુ દુ:ખદ છે. તેનું દુ:ખ વાલીઓ ઉપરાંત શાળાના ટ્રસ્ટી અને મૅનેજમેન્ટને પણ છે. આ બનાવ વિદ્યાર્થીના પરિવાર અને શાળા માટે સહુથી દુ:ખદ ક્ષણ છે એમ તેમણે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer