સીદી સૈયદની જાળી જોવા વડા પ્રધાનોએ પગરખાં ઉતાર્યાં
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 : જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમી સાંજે ગુજરાતની ઓળખ બની ચૂકેલ ઐતિહાસિક સીદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. તેઓની સાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેના પત્ની અકી આબે પણ જોડાયા હતા. તેઓએ રસપૂર્વક સીદી સૈયદની જાળીની કોતરણી નિહાળી હતી અને તેને વખાણી હતી. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાણે ગાઇડ બન્યા હોય તેમ તેઓઁએ સીદી સૈયદીની જાળી વિશેની તમામ માહિતી જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબેને આપી હતી. અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારમાં વર્ષ 1573માં સીદી સૈયદે રેતિયા પત્થરમાં કોતરણીકામ કરાવીને બનાવેલી જાળીથી ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઇ છે અને તાજેતરમાં તેને હેરિટેજમાં સ્થાન મળ્યું છે. 

જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે સાથે સીદી સૈયદની જાળીની મુલાકાત સમયે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પગમાંથી જુતા કાઢીને સમગ્ર મસ્જિદની મુલાકાત લીધી હતી અને મસ્જિદની અંદરના ભાગે તસવીર પણ ખેંચાવી હતી. અહીં વારે-તહેવારે નહીં પરંતુ નિયમિત નમાજ પઢાય છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશી નેતા સાથેની મસ્જિદની મુલાકાત ભારતની રાષ્ટ્રીય રાજનીતિનો સંદેશો અપાયો હોવાનું સમજાય છે. 

ત્યાંથી બન્ને દેશના વડા પ્રધાન નજીકમાં જ આવેલી અગાસિયા હોટેલમાં રાત્રિ ભોજન લીધું હતું. ભોજન બાદ બન્ને મહાનુભાવોએ અગાસિયા હોટલમાં બંધ બારણે મહત્વની ચર્ચા-વિચારણા પણ કરી હતી. રાતે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે રાત્રિ રોકાણ માટે હોટેલ હયાત પહોંચ્યા હતા જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચ્યા હતા.