રાહુલ ગાંધીનું વંશવાદ સંબંધી નિવેદન ઋષિ કપૂરને ખટકતાં ટ્વીટ કર્યું કપૂર પરિવાર મહેનત અને લોકોના પ્રેમના કારણે સિનેસૃષ્ટિમાં છે
મુંબઈ, તા. 13 : કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકાની એક યુનિવર્સિટીમાં ભારતમાં વંશવાદ અંગે નિવેદન કર્યું હતું કે આખો દેશ વંશવાદથી જ ચાલે છે, મને એકને જ કેમ લક્ષ્ય બનાવવામાં આવે છે. ગાંધીના આવા નિવેદનથી પીઢ અભિનેતા ઋષિ કપૂર ઉકળી ઉઠયાં છે અને તેમણે ટ્વીટર પર રાહુલ ગાંધીને જોરદાર જવાબ વાળ્યો છે. 

ગાંધીએ કહ્યું હતું કે ફિલ્મોમાં બચ્ચનથી લઇને બિઝનેસમાં અંબાણી પરિવાર વંશવાદથી જ આગળ વધ્યો છે. પરંતુ રાજકારણમાં ગાંધી પરિવારને અને હવે મને નિશાન બનાવાઇ રહ્યો છે. 

ઋષિ કપૂરને ગાંધીનું આવું નિવેદન ખટક્યું હોય તેમ પીઢ અભિનેતાએ ધડાધડ ત્રણ ટ્વીટમાં ગાંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, ભારતીય સિનેમાના 106 વર્ષના ઇતિહાસમાં 90 વર્ષનું યોગદાન કપૂર પરિવારનું છે. કપૂર પરિવારની ચાર પેઢીઓને લોકોએ તેની ગુણવત્તાના જોરે પસંદ કરી છે. 

ભગવાનની કૃપાથી પૃથ્વીરાજ કપૂર, રાજકપૂર, રણધીર કપૂર અને હવે રણબીર કપૂર એમ અમારા પરિવારની ચોથી પેઢી લોકોના પ્રેમ અને આદરના કારણે ફિલ્મોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેથી સિનેસૃષ્ટિમાં પણ વંશવાદ અંગે બડબડ કરીને લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. 

અમે લોકોના પ્રેમ, આદર અને અમારી મહેનતથી આ સ્થાને પહોંચ્યા છીએ, જબરદસ્તી અને ગુંડાગીરીથી નહીં.