અમેરિકા સામે પાકિસ્તાનને ચીન અને રશિયાનો સહયોગ મળશે!
ઈસ્લામાબાદ, તા. 13: આતંકવાદ સામેની કાર્યવાહી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ જતાં તેના ઉપર અમેરિકાના આર્થિક પ્રતિબંધની ભીતિ છે. તેવામાં પાકિસ્તાનના સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે યુનોમાં પાક. ઉપર આર્થિક પ્રતિબંધ મૂકવા અમેરિકા કોઈપણ જાતની અરજી કરશે તો તેની સામે વીટો વાપરવા ચીન અને રશિયાએ પાકિસ્તાનને આશ્વાસન આપ્યું છે. 

ગયા મહિને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આતંકવાદીઓને શરણ આપવા મામલે પાકિસ્તાનની ટીકા કરી હતી. ત્યારબાદ પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી હતી. 

એક્સપ્રેસ ટ્રિબ્યુન સાથે જોડાયેલા પ્રકાશન ડેઇલી એક્સપ્રેસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાએ આતંકવાદીઓ સાથે કથિત સંબંધ ધરાવતા પાકિસ્તાની અધિકારીઓ ઉપર પ્રતિબંધના સંકેતો આપ્યા છે. 

આ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીએ ચેતવણી આપી હતી કે, અધિકારીઓ ઉપર પ્રતિબંધથી આતંકવાદ સામેની કાર્યવાહીને કોઈ મદદ મળવાની નથી. આ બંને દેશોએ પાકિસ્તાનને તમામ ક્ષેત્રોમાં સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

બદલાતા વાતાવરણ વચ્ચે પાકિસ્તાને અમેરિકી રાષ્ટ્રપતિની ટીકા બાદ અન્ય દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.