ગાંધી આશ્રમની ડાયરીમાં શિંજો આબેએ લખ્યું `લવ ઍન્ડ થૅન્ક્યુ ''
ગાંધી આશ્રમની ડાયરીમાં શિંજો આબેએ લખ્યું `લવ ઍન્ડ થૅન્ક્યુ '' અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 : અમદાવાદ એરપોર્ટથી આર્મી કેન્ટોન્મેન્ટ થઇ રિવરફ્રન્ટ  ઉપર પહોંચેલા જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટનો અદ્ભૂત નજારો બતાવ્યો હતો. બન્ને દેશના નેતાઓએ રિવરફ્રન્ટના નયનરમ્ય નજારાને રોડ શો દરમિયાન માણી હતી. 

ત્યાંથી બન્ને નેતાઓ ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા. અહીં પૂ.મહાત્મા ગાંધીની પ્રતિમાને જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્ની અકી આબે તેમ જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આંટી પહેરાવી હતી. તેમ જ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. વડા પ્રધાન મોદીએ પૂ.બાપુ જે સુતર કાંતતા હતા તે ચરખો પણ બતાવ્યો હતો અને તેની સમજ પણ આપી હતી. જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે સાથે તેઓએ ચબુતરાની નીચે કલાત્મક ખુરશીમાં બેસીને પરામર્શ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમમાં ફર્યા હતા અને ત્યાં રાખવામાં આવેલી ડાયરીમાં જાપાનીઝ ભાષામાં ``લવ અને થેંક્યુ'' લખીને શુભેચ્છા સંદેશો પણ પાઠવ્યો હતો. 

આ તકે ત્યાં રાખવામાં આવેલા ગાંધીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ અંગે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમની પત્ની અકી આબેને વિસ્તૃત સમજણ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંદી આશ્રમમાંથી વિદાય આપતી વખતે જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્ની અકી આબેને ચરખો ભેટમાં આપ્યો હતો.