મંગળવારે મધરાતથી સવાર સુધી મુંબઈ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ એકથી દોઢ કલાક ગાજવીજ સાથે વરસાદની હેલીથી ખેડૂતો ખુશ, લોકોને ગરમીમાંથી રાહત

મુંબઈ, તા. 13 : છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઉકળાટ બાદ આજે પરોઢિયા અગાઉ જ મુંબઈ, થાણે અને નવી મુંબઈ સહિત રાજ્યમાં સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જે સવાર સુધી વરસ્યો હતો. મંગળવારે મધરાત બાદ અઢી-ત્રણ વાગ્યાથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વીજળીના ચમકારા અને વાદળોની ગડગડાટ સાથે બુધવારે સવારે આઠેક વાગ્યા સુધી વરસાદ થયો હતો. 

વેધશાળાના જણાવ્યા પ્રમાણે કોકણ સહિતના રાજ્યના અન્ય પ્રાંતોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો હતો અને કેટલાંક વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જોકે, આ ચોમાસાની વિદાયનો સંકેત આપતો વરસાદ નથી એમ વેધશાળા તરફથી કહેવાયું હતું. વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે અને ભાદરવાની ગરમીમાંથી શહેરી વિસ્તારોમાં લોકોને રાહત અનુભવાઇ છે. મુંબઈ રિજનના દરેક વિસ્તારમાં લગભગ એકથી દોઢ કલાકની વરસાદની આ હેલી વારાફરતી વરસી હતી. 

નવી મુંબઈમાં પરોઢિયા અગાઉ શરૂ થયેલા ભારે વરસાદના કારણે કામોઠે અને આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. નાશિક જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે નાશિકમાં વીજળી વેરણ થઇ હતી અને ગોદાવરી સહિતની નદીઓના કિનારે વસતા લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. જોકે, આ વર્ષે બે વખત પૂરની અચાનક પરિસ્થિતિ પેદા થઇ હતી. તેને ધ્યાનમાં લઇને પ્રશાસન ઊંઘતું ન ઝડપાય એટલે આવી ચેતવણી આપવામાં આવી હતી. 

લાતુરમાં પણ ભારે વરસાદથી રોડ પર વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત કેટલાંય વિસ્તારોમાં વીજ પૂરવઠો અવરોધાયો હતો. કોલ્હેનગર, શ્રીકૃષ્ણનગર, કોયના રોડ, બાદાડે નગર સહિતના વિસ્તારોમાં અધારપટ છવાયો હતો. 

બીડ જિલ્લામાં તો ગઇ કાલથી જ વરસાદની હાજરી હતી અને સાંજ સુધીમાં તોફાની વરસાદે અંબેજોગાઇ શહેરમાં પૂર લાવી દીધા હતા. સ્વામી રામાનંદ હૉસ્પિટલમાં પણ પાણી ભરાયા હતા. બીડની બિંદુસરા નદીમાં પૂરના કારણે પાણી બીડ શહેરમાં ઘૂસી ગયા હતા. સાતારામાં પણ મંગળવારે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી શરૂ થયેલા વરસાદે સવારે પાંચ વાગ્યા સુધી જિલ્લાને ધમરોળ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer