રેરાની મધ્યસ્થીથી ડેવલપરે ગ્રાહકને ફ્લૅટ બુકિંગ માટે ચૂકવેલી રકમ પરત કરી

મુંબઈ, તા. 13 : ફ્લેટના બૂકિંગની રકમ આપવાનો ઇનકાર કરનારી એક જાણીતી બિલ્ડર કંપની અને ગ્રાહક વચ્ચે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (રેરા)એ મધ્યસ્થી કર્યા બાદ બિલ્ડર કંપનીએ ગ્રાહકને 1.08 લાખ રૂપિયાની બૂકિંગની રકમ પરત કરવાનું કબૂલ્યું હતું. મંગળવારે રેરાએ આ કેસ ઉકેલ્યો હતો. 

ગયા મહિને રોશન નવાલે નામના ગ્રાહકે રેરામાં ફરિયાદ નોંધાવી હતી કે થાણેના કોલશેટ રોડ પર લોઢા અમેરા પ્રોજેક્ટમાં તેણે ટુ બીએચકેનો ફ્લેટ બૂક કરાવ્યો હતો અને આ માટે તેણે લોઢા ગ્રુપની બિલ્ડર કંપનીને 1.08 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. નવાલેના દાવા પ્રમાણે બિલ્ડર કંપનીએ મને જણાવ્યું હતું કે તેને ડિસ્કાઉન્ટ રેટમાં 1.14 કરોડ રૂપિયામાં આ ફ્લેટ મળશે અને બે જુલાઇ પહેલા જો તે ફ્લેટ બૂક કરાવશે તો ડિસેમ્બર 2018 સુધી લોનના હપ્તા નહીં ભરવા પડે. ડેવલપરે એમ પણ કહ્યું હતું કે તેને સ્ટેમ્પ ડયુટી પણ નહીં ચૂકવવી પડે.

વધુમાં નવાલેએ જણાવ્યું હતું કે બાદમાં આ અૉફરમાં મને કંઇક અનિયમિતતાઓ નજરે ચડી હતી અને બિલ્ડર કંપનીએ મને સૂચના આપી હતી કે મારે લોનના જે હપ્તા નથી ચૂકવવાના તેનું વ્યાજ તો ચૂકવવું જ પડશે અને કુલ રકમ પણ વધુ ચૂકવવાની રહેશે. નવાલેએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ડેવલપરે સપ્ટેમ્બર 2019 સુધીમાં આ ફ્લેટનો કબજો આપવાનું વચન આપ્યું હતું અને રેરામાં પ્રોજેક્ટના રજિસ્ટ્રેશનમાં આ તારીખ બદલાવીને ડિસેમ્બર 2020ની કરાઇ હતી. આવી બધી ટેકનિકાલિટીથી કંટાળીને નવાલેએ ફ્લેટ ખરીદવાની અરજી પરત ખેંચવાનું નક્કી કર્યું હતું અને ડેવલપર પાસે બૂકિંગની રકમ પરત માગી હતી. ડેવલપર તરફતી કહેવાયું હતું કે બૂકિંગની રકમ નોન-રિફન્ડેબલ હોવાથી પરત નહીં મળે. 

જો કે મને પહેલાં કહેવાયું હતું કે બૂકિંગની રકમ પરત મળશે, પરંતુ બાદમાં આવો જવાબ મળતા મને આંચકો લાગ્યો હતો. જો કે એગ્રિમેન્ટમાં મેં એવા કોઇ કાગળોમાં સહી નહોતી કરી જેમાં બૂકિંગની રકમ નોન-રિફન્ડેબલ હોય એવો ઉલ્લેખ હોય. મેં તેમને એવી યાદ અપાવી તો મને ડેવલપર તરફથી જણાવાયું કે અમારી કંપનીની અંગત પોલિસી છે કે બૂકિંગની રકમ પરત ન આપવી. 

ફરિયાદમાં નવાલેએ બૂકિંગની રકમ ઉપરાંત રેરામાં ફરિયાદ કરવાના ખર્ચ પેટે 5,059 રૂપિયાની માગણી પણ કરી હતી. રેરાએ સુનાવણી કરી ત્યારે તુરંત જ ડેવલપર કંપની બૂકિંગની રકમ ચૅકના માધ્યમથી પરત આપવા સંમત થઇ ગઇ હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer