કૅપિટલ ઈન્ડેક્સમાં ભારત 103મા ક્રમે

વૈશ્વિક દેશોની યાદીમાં બ્રિક્સ દેશોમાં સૌથી છેલ્લે : વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નોર્વે ટોચે

ન્યૂયોર્ક, તા. 13 : જીનિવા સ્થિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુ.ઇ.એફ.)ના વૈશ્વિક માનવીય મૂડી (કેપિટલ ઇન્ડેક્સ)ના જાહેર થયેલા આંકમાં ભારતનો ક્રમ બ્રિક્સ અર્થતંત્ર દેશોમાં સૌથી નીચો 103મો આવ્યો છે જ્યારે ફોરમમાં નોર્વે સૌથી ટોચના સ્થાને છે.

ડબલ્યુ.ઇ.એફ.ના હેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રોજગારીમાં `જેન્ડર ગેપ'ના મામલામાં પણ ભારત દુનિયામાં સૌથી પાછળ છે. ભારત 130 દેશોની યાદીમાં 103મા સ્થાને છે. આ રેન્ક બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા)માં પણ સૌથી નીચે છે.

આ એવો આંક છે જેનાથી એવો સંકેત મળે છે કે કયો દેશ પોતાના લોકોને વિકાસ, તેમના શિક્ષણ, તાલીમ અને પ્રતિભાના ઉપયોગમાં કેટલો આગળ છે. જો કે, સ્કીલ ડેવલોપમેન્ટના મામલામાં ભારત 65મા ક્રમે છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ફોરમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, રોજગારી જાતીય આંકના મામલે પણ ભારત દુનિયામાં સૌથી પાછળ છે. જો કે, ભવિષ્ય માટે જરૂરી કૌશલ્યના વિકાસના મામલામાં ભારતની સ્થિતિ સારી છે અને આ મામલામાં 130 દેશોની વચ્ચે તેનો ક્રમ 65 છે.

ફોરમે ગત વર્ષના પોતાના હેવાલમાં ભારતને 105મો ક્રમ આપ્યો હતો અને કહ્યું હતું કે, આ દેશ પોતાના માનવીય મૂડીની સંભાવનાઓનો માત્ર 57 ટકા જ ઉપયોગ કરી રહ્યો છે. આ યાદીમાં ફિનલેન્ડ સૌથી ટોચમાં છે. આ યાદી કોઇ દેશના લોકોના જ્ઞાન અને કૌશલ્ય પરથી તૈયાર થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer