એનઆરઆઈ લગ્નોની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની ભલામણ
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ): પરિત્યાગ અને લગ્નવિષયક સમસ્યાઓથી છુટકારો મેળવવા એનઆરઆઈ લગ્નોની 

નોંધણી માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાની ભલામણ આંતરખાતાકીય સમિતિએ વિદેશ મંત્રાલયને કરી છે.

ભારતમાં લગ્ન કરતા ભારતીય પાસપોર્ટધારકો પરની ખાસ સમિતિની આ દરખાસ્તનો હેતુ એનઆરઆઈ પતિઓ દ્વારા ત્યજી દેવાતી પત્નીઓના હકોનું રક્ષણ કરવાનો તથા વિદેશમાં ઘરેલું હિંસાનો અને દહેજની સતામણીનો ભોગ બનનારી પત્નીઓનાં અધિકારોનું રક્ષણ કરવાનો છે.

`ભારતમાં એનઆરઆઈ લગ્નોના રજિસ્ટ્રેશન (નોંધણી) માટે આધારને ફરજિયાત બનાવવાની દરખાસ્ત છે', એમ વિદેશ મંત્રાલયના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું.

બિનવસાહતી ભારતીયો, ભારતના વિદેશોમાંના નાગરિકો અને ભારતીય મૂળના લોકોનો આધાર નોંધણી માટે યુનિક આઈડેન્ટિફિકશન અૉથોરિટી અૉફ ઈન્ડિયા કામ કરી રહી છે. હાલ ભારતીય નાગરિકો અને યોગ્ય વિસા ધરાવતા વિદેશીઓ સહિતના રહેવાસીઓ આધાર નંબર માટે નોંધણી કરી શકે છે.

આ પેનલે એવી પણ ભલામણ કરી હતી કે આરોપીની કસ્ટડી માગવા ઘરેલું હિંસાનો એક કારણ તરીકે સમાવેશ કરવા ભારતે વિવિધ દેશો સાથેની તેની પ્રત્યાર્પણ સંધિમાં સુધારો કરવો જોઈએ.