નીતિશકુમારે બિહારના 11 કરોડ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો : શરદ યાદવ
પ્રમોદ મુઝુમદાર તરફથી

નવી દિલ્હી, તા 13 : જનતાદળ (યુ)ના વરિષ્ઠ નેતા અને સાંસદ શરદ યાદવે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર પર રાજ્યના 11 કરોડ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, `માત્ર નવ કલાકમાં એનડીએ સાથે ગઠબંધન કરીને પોતાની નવી સરકાર બનાવી દીધી હતી અને આ કાર્યવાહીને તેઓ હજી સુધી પચાવી શક્યા નથી.'

શરદ યાદવે આજે અત્રે પોતાના સરકારી આવાસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિહારના મહાગઠબંધન માટે આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ તૈયાર નહોતા અને એટલે નીતિશકુમાર વારંવાર તેમની પાસે જતા હતા અને પોતે પણ ગયા હતા ત્યારે લાલુપ્રસાદ તૈયાર થયા હતા અને બિહારમાં મહાગઠબંધન થયું હતું. લાલુપ્રસાદે ત્યારે એમ કહ્યું હતું કે, `તેમની સામે કેસ ચાલી રહ્યો છે અને તેઓ ચૂંટણી લડી શકે તેમ નથી. અમે વિચારણા કરીને મહાગઠબંધન બનાવ્યું હતું અને એકમત થઇને નીતિશકુમારે જનતાની વચ્ચે જઇને વૉટ માગ્યા હતા, એમ યાદવે વધુમાં જણાવ્યું હતું.

શરદ યદવે એવો સવાલ કર્યો હતો કે લાલુપ્રસાદ સામે કેસ ચાલી રહ્યા છે તે વાતની મહાગઠબંધન પહેલાં શું નીતિશકુમારને ખબર નહોતી? તો એવું શું થયું કે, `માત્ર નવ કલાકની અંદર જ એનડીએની સાથે નવી સરકાર બનાવી લીધી?

બિહારના 11 કરોડ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો. પોતે હંમેશાં સિદ્ધાન્તોની લડાઇ લડતા આવ્યા છે અને તેમાં ક્યારે પણ પીછેહઠ કરી નથી એવું શરદ યાદવે જણાવ્યું હતું.

રાજ્યસભાના સભ્યપદ વિશે પૂછવામાં આવતાં શરદ યાદવે જણાવ્યું હતું કે આ બાબતમાં કાનૂની સલાહકારો સાથે ચર્ચા ચાલી રહી છે અને નોટિસનો જવાબ આપવામાં આવશે.