પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરવાની દૈનિક પદ્ધતિ નહીં બદલાય : ધર્મેન્દ્ર પ્રધાન
નવી દિલ્હી, તા.13: પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારા મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, સરકાર દરરોજ ભાવમાં ફેરફારની પદ્ધતિને બદલી શકશે નહીં. અમેરિકામાં એક પછી એક બે ચક્રવાત ત્રાટકવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ 15 ટકા ઉછાળો આવ્યો છે. જેના પરિણામે ભારતમાં પણ પેટ્રોલ - ડિઝલના ભાવ વધ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, અમેરિકાની ઓઈલ ઉત્પાદક કંપનીઓને ઈરમા અને હાર્વીની અસરના કારણે અમેરિકામાં થતાં ક્રૂડ ઉત્પાદનને ભારે અસર પહોંચી છે. આ અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળતા ક્રૂડના ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો હોવાથી ભારતીય બજારમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઉછાળો આવ્યો છે. નજીકના ભવિષ્યમાં સ્થિતિ ફરીથી સામાન્ય બની જશે. આ સાથે એમ પણ ઉમેર્યું હતું કે, ભારતમાં ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર સાથે જ રહે તે જરૂરી હોવાથી રોજેરોજ ભાવમાં ફેરફારની પદ્ધતિ બદલી શકે નહીં. આ ઉપરાંત વધતા જતા ક્રૂડના ભાવ વચ્ચે સેસમાં કાપના પ્રશ્ન મામલે પ્રધાને કહ્યું હતું કે, સેસમાં વધારા ઘટાડાનો નિર્ણય નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.