દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીમાં પાંચ વર્ષ બાદ એનએસયુઆઈનો વિજય

કૉંગ્રેસનો નૈતિક જુસ્સો આ વિજયથી વધી જશે

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.13 : કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટસ યુનિયન અૉફ ઇન્ડિયા (એનએસયુઆઈ)એ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન (ડીયુએસયુ)ની ચૂંટણીમાં ટોચના બે હોદ્દાઓ પર વિજય મેળવીને પાંચ વર્ષ બાદ ફરી સફળતા મેળવી છે, જ્યારે તેની હરીફ બીજેપીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ને બે બેઠકો મળી છે.

દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટસ યુનિયન (ડુસુ)ના આ પરિણામોથી સારા સમાચારોના દુકાળનો સામનો કરી રહેલી કૉંગ્રેસનો નૈતિક જુસ્સો જરૂર વધશે. આ ઉપરાંત કૉંગ્રેસ પક્ષ આ વિજયને મોદી સરકારના ખોટા વચનોને કારણે યુવાનો તેનાથી દૂર જઈ રહ્યા હોવાના સંકેત તરીકે જોઈ રહ્યો છે.

એનએસયુઆઈના આ વિજયને વધાવતાં કૉંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પક્ષને ફરી એકવાર ઉષ્મા પૂરી પાડી રહ્યા છે.

`ડુસુ'માં સારી કામગીરી અને વિજય બદલ એનએસયુઆઈને અભિનંદન. કૉંગ્રેસની વિચારસરણીમાં વિશ્વાસ મૂકવા બદલ વિદ્યાર્થીઓનો આભાર, એમ રાહુલ ગાંધીએ અમેરિકાથી ટ્વીટ કરતાં જણાવ્યું હતું.

અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના મીડિયા ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, એનએસયુઆઈના વિજયે બતાવી દીધું છે કે, દેશના યુવાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `અચ્છે દિન'ના ખોટા વચનોને નકારી કાઢયા છે.

``રાજસ્થાન, પંજાબ અને હવે દિલ્હીમાં એનએસયુઆઈના વિજયથી પુરવાર થઈ ગયું છે કે, યુવાનોએ મોદીજીના અચ્છે દિનના ખોટા વચનોને જાકારો આપ્યો છે' એમ કૉંગ્રેસના પ્રવકતા સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.

એનએસયુઆઈએ જણાવ્યું હતું કે, તેણે હકીકતમાં તો ચારમાંથી ત્રણ પોસ્ટ પર વિજય મેળવ્યો છે અને તે આ પરિણામને દિલ્હી હાઈ કોર્ટમાં પડકારશે. અગાઉની પેનલમાં એબીવીપી ત્રણ પોસ્ટ ધરાવતી હતી. `ડુસુ'ના એબીવીપીના પ્રમુખ અમિત તન્વરની જગ્યા હવે એનએસયુઆઈના રોકી તુસીર લઈ લેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer