જપાનના વડા પ્રધાનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત
જપાનના વડા પ્રધાનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત નરેન્દ્ર મોદીએ આવકાર્યા બાદ આઠ કિલોમીટરનો રોડ શો : ગાંધી આશ્રમ, સાબરમતી રિવર ફ્રંટ અને સીદી સૈયદની જાળીની લીધી મુલાકાત : આજે કરશે બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.13: જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજથી ગુજરાતની બે દિવસની ઐતિહાસિક  મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા જપાનના વડા પ્રધાન શિન્ઝોનું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમળકાભેર ભેટીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને ગાર્ડ અૉફ ઓનર આપવામાં આવ્યું હતું.  જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેની સાથે તેમનાં પત્ની અકી આબે પણ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. 

જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા ત્યારે તેમના પ્લેન પર બન્ને દેશોની મિત્રતાના પ્રતિક રૂપે જાપાન અને ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો. એરપોર્ટ ઉપર ઉતરીને જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્નીએ વડા પ્રધાન મોદી સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરતા ગુજરાતના રાસ-ગરબા નૃત્ય તેમ જ અન્ય સાંસ્કૃતિક નૃત્યો નિહાળ્યા હતા. આ અવસરે એરપોર્ટ ઉપર ખાસ સ્વાગત માટે આવેલા બૌદ્ધ સાધુઓએ સફેદ ખેસ પહેરાવીને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્ની અકી આબે તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા હતા. 

જપાનના વડા પ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્નીએ એરપોર્ટ પર જ ભારતીય પોષાક પરિધાન કર્યો હતો. શિન્ઝોએ ઝભ્ભો-પાયજામો અને કોટી પરિધાન કર્યા હતા. જ્યારે તેમનાં પત્ની એ સલવાર કમીઝ અને દુપટ્ટો પહેર્યો હતો. શિન્ઝો આબે અને તેમનાં પત્ની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખુલ્લી જીપમાં બેસીને એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીનો 8 કિલોમીટર રોડ શો યોજ્યો હતો.