મેસ્સીની હેટ્ટ્રિકથી આર્જેન્ટિના વર્લ્ડ કપ માટે કવોલિફાઇ

મેસ્સીની હેટ્ટ્રિકથી આર્જેન્ટિના વર્લ્ડ કપ માટે કવોલિફાઇ
અમેરિકા 32 વર્ષ બાદ આગામી વર્લ્ડ કપની બહાર : પોર્ટુગલ અને ફ્રાંસે ટિકિટ બુક કરી
ક્વીટો (ઇકવાડોર) તા.11: સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીની શાનદાર હેટ્રિકની મદદથી આખરે આર્જેન્ટિનાની ટીમ 2018ના ફૂટબોલ વર્લ્ડ કપમાં કવોલીફાઇ થવામાં સફળ રહી છે. ગઇકાલે રમાયેલા મેચમાં આર્જેન્ટિનાએ ઇકવાડોર સામે 3-1 ગોલથી જીત મેળવીને વર્લ્ડ કપની ટિકિટ પાકી કરી લીધી છે. ફ્રાંસ અને ગત ચેમ્પિયન પોર્ટૂગલ પણ 2018ના રશિયામાં રમાનાર ફીફા વર્લ્ડ કપ માટે કવોલીફાઇ થયા છે. બીજી તરફ 32 વર્ષ બાદ અમેરિકાની ટીમને વર્લ્ડ કપમાં એન્ટ્રી મળી નથી.
આર્જેન્ટિના માટે ઇકવાડોર સામેનો મેચ કરો યા મરો સમાન હતો. મેચની શરૂઆતમાં જ ઇકવાડોરે ગોલ કરીને આર્જેન્ટિનાને ભીંસમાં લીધું હતું. 2001 બાદ ઇકવાડોરની રાજધાની ક્વીટોમાં આર્જેન્ટિનાને કોઇ જીત મળી ન હતી, તે પણ વધારાનું દબાણ હતું. આવી સ્થિતિમાં સ્ટાર મેસ્સીએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. મેચની 12મી મિનિટે મેસ્સીએ પહેલો ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો. આ ગોલની આઠ મિનિટ બાદ મેસ્સીએ બીજો ગોલ કરીને તેની ટીમને 2-1થી આગળ કરી દીધી. મેચની 62મી મિનિટે મેસ્સીએ ત્રીજો ગોલ કરીને હેટ્રિક પૂરી કરી અને આર્જેન્ટિનાની જીત અને વર્લ્ડ કપની ટિકિટ પાકી કરાવી દીધી. 
અન્ય એક મેચમાં પોર્ટૂગલે સ્વિત્ઝરલેન્ડ સામે 2-1 ગોલથી જીત મેળવીને વર્લ્ડ કપનું સ્થાન પાકું કરી લીધું હતું. જયારે ફ્રાંસે બેલારુસને 2-1થી હાર આપી હતી. આથી ફ્રાંસ પણ કવોલીફાઇ થઇ ગયું છે. બીજી તરફ અમેરિકાની ટીમ ત્રિનિદાદ એન્ડ ટોબેગો સામે 1-2 ગોલથી હારી હતી. આથી તે 1986 બાદ પહેલીવાર વર્લ્ડ કપ માટે કવોલીફાઇ થઇ શકી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer