આશિષ નેહરા પહેલી નવેમ્બરે નિવૃત્તિ લેશે

આશિષ નેહરા પહેલી નવેમ્બરે નિવૃત્તિ લેશે
દિલ્હીમાં  ન્યૂ ઝીલૅન્ડ સામેની  ટી-20 મૅચ બાદ ક્રિકેટને અલવિદા
નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયાનો 38 વર્ષના અનુભવી ઝડપી બોલર આશિષ નેહરા નિવૃત્ત થઇ રહ્યો છે. ન્યુઝિલેન્ડ વિરુદ્ધ તા. 1 નવેમ્બરે દિલ્હીમાં રમાનાર ટી-20 મેચ નેહરાનો આખરી ઇન્ટરનેશનલ મેચ બની રહેશે. આ મેચ બાદ આશિષ નેહરા ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કરી દેશે. હોમ ગ્રાઉન્ડ પરનો આ મેચ તેના માટેનો ફેરવેલ મેચ બની રહેશે. 
38 વર્ષના આશિષ નેહરાએ ભારત તરફથી અત્યાર સુધીમાં 17 ટેસ્ટ, 120 વન ડે અને 26 ટી-20 મેચ રમ્યા છે. ઇજાને લીધે ટીમમાંથી સતત અંદર-બહાર થવાને લીધે તેની કારકિર્દી પર અનેક વખત પ્રશ્નાર્થ મુકાયા હતા, પણ આ લડાયક ખેલાડીએ દર વખતે ટીકાકારોને ખોટા પાડીને શાનદાર વાપસી કરી છે. 2011ના વર્લ્ડ કપ બાદ તે ક્યારે પણ વન ડે રમ્યો નથી. આઇપીએલમાં સારા પ્રદર્શનને લીધે તેની ટી-20ની ભારતની ટીમમાં વાપસી થઇ હતી. તેનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. જો કે તેને પહેલા બે મેચની ઇલેવનમાં જગ્યા મળી નથી. 
હવે ન્યુઝિલેન્ડ વિરુદ્ધની શ્રેણીનો પહેલો ટી-20 મેચ આશિષ નેહરાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આખરી મેચ બની રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer