એશિયા કપ હૉકીના પ્રારંભે ભારતનો જાપાન સામે 5-1થી ભવ્ય વિજય

એશિયા કપ હૉકીના પ્રારંભે ભારતનો જાપાન સામે 5-1થી ભવ્ય વિજય
ઢાકા તા.11: એશિયા કપના પહેલા મેચમાં ભારતીય હોકી ટીમે જાપાન વિરૂધ્ધ પ-1 ગોલથી શાનદાર જીત મેળવીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં છે. આ મેચમાં ભારત તરફથી એસવી સુનિલ, લલિત ઉપાધ્યાય, રમનદિપ સિંહ અને હરમનપ્રિત સિંહે ગોલ કર્યાં હતા. જયારે જાપાન તરફથી એકમાત્ર ગોલ કેંજી કિતાજાતોએ કર્યોં હતો. આ મેચમાં ભારતીય હોકી ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરીને જાપાન પર દબદબો બનાવી રાખ્યો હતો.
મેચના પ્રારંભે જ એસવી સુનિલે ત્રીજી મિનિટે  ગોલ કરીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. તેની એક મિનિટ બાદ જાપાનના કેંજીએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. આ પછી ભારતે આક્રમક રમત શરૂ કરી હતી અને બીજા કવાર્ટરમાં મેચની 22 મિનિટે લલિત ઉપાધ્યાયે ભારત તરફથી બીજો ગોલ કર્યોં હતો. જયારે રમણદિપે 32મી મિનિટે ગોલ કરીને ભારતને 3-1થી આગળ કરી દીધું હતું. હરમનપ્રિતે પેનલ્ટી કોર્નરનો લાભ લઇને ભારત માટે ચોથા ગોલ કર્યોં હતો. મેચની 48મી મિનિટે હરમનપ્રિતે ફરી પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતની 5-1થી જીત પાકી કરી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer