યુએસ-ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધતાં શૅરબજારો ઘટયાં

નિફટીએ 10 હજારનો સ્તર ગુમાવ્યો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.11 : શૅરબજારમાં સતત છ સેશનના સુધારા પછી આજે સટ્ટાકીય અને નફા તારવણીને લીધે બજારમાં થોડું કરેકશન આવ્યું હતું. એનએસઈ ખાતે નીફટી ગઈકાલે 10000ના સ્તર પર સ્થિર બંધ રહ્યો હતો. આજે સવારે નિફટીએ 10500ની સપાટી વટાવી હતી. પરંતુ એકાદ કલાકના ટ્રેડિંગ પછી સટ્ટાકીય રીતે મિડકેપ, સ્મોલકેપ અને બૅન્કિંગ ક્ષેત્રમાં વધેલી વેચવાલીથી નિફટીએ 10000ની સપાટી ગુમાવી હતી. અમેરિકાનાં યુદ્ધ જહાજોએ ચીનના સમુદ્રમાં પ્રવેશ કર્યાના અહેવાલથી મોટા રોકાણકારે ઊંચામાં લેણ ફૂંક્યાં હતાં. જીઓજીત ફાઈનાન્સિયલના આનંદ જેમ્સે જણાવ્યું છે કે `સ્થાનિક સંસ્થાઓ અને એફઆઈઆઈના લે-વેચના ખેંચતાણના ખેલ છતાં બૅન્કિંગ ક્ષેત્રના તણાવથી ટૂંકા ગાળે બજાર પર દબાણ ચાલુ રહેશે. સેશન અંતે ગઈકાલના બંધથી નિફટી 32 પૉઈન્ટ નીચે 9984ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે બીએસઈ ખાતે સેન્સેક્ષ એક તબક્કે ગઈકાલના બંધથી 150 પૉઇન્ટ સુધારે હતો, પરંતુ વેચવાલીના દબાણે સેશન અંતે 90 પૉઇન્ટ ઘટીને 31833ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે વોલેટાલિટી વધતાં ઇન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્ષ પાંચ ટકા ઊંચે બંધ હતો.
આજના ઘટાડાની આગેવાની મિડ કૅપ અને સ્મોલ કૅપ ક્ષેત્રએ લીધી હતી. બીએસઇ ખાતે મિડ કૅપ ઇન્ડેક્સ 198 પૉઇન્ટ, સ્મોલ કૅપ ઇન્ડેક્સ 110 અને બૅન્કેક્સ નોંધપાત્ર 250 પૉઇન્ટ ઘટયો હતો. બૅન્કોની એનપીએ જૂન અંતે વધીને 9.5 ટ્રિલિયન ડૉલર જેટલી થઇ હોવાના અહેવાલે બૅન્ક શૅરો તૂટયા હતા. વેચવાલીના દબાણે અને કોરીઆ-અમેરિકા વચ્ચે વધતા તણાવથી બીએસઇમાં કુલ 1793 શૅરના ભાવ ઘટયા હતા. જ્યારે 950ના શૅરના ભાવ થોડા સુધારે હતા. આજે બજારમાં વેચવાલીના પૂર વચ્ચે ભારતી એરટેલ સૌથી વધુ રૂા. 19 સુધરીને (અંદાજે 5.8 ટકા) ઘણાં અઠવાડિયા પછી રૂા. 403 બંધ રહ્યો હતો. ટીસીએસ રૂા. 41 વધીને રૂા. 2500ની સપાટીએ બંધ હતો. ગઇકાલના ઘટાડા પછી આજે એચયુએલ રૂા. 9 સુધરીને રૂા. 1217, જ્યારે એમ ઍન્ડ એમનો ભાવ રૂા. 19 વધીને રૂા. 1319 બંધ હતો. વિપ્રો 1 ટકા સુધરી રૂા. 290 રહ્યો હતો. જેની સામે ઘટાડામાં દવા અગ્રણી ડૉ. રેડ્ડીસ લૅબ. રૂા. 32ના મોટા ઘટાડે રૂા. 2378 અને તાતા મોટર્સ અને તાતા મોટર્સ (ડી) અનુક્રમે રૂા. 9 અને રૂા. 3 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે વેદાન્ત અને યસ બૅન્કમાં નોંધપાત્ર ઘટાડો હતો. જ્યારે એસબીઆઇ રૂા. 5 ઘટીને રૂા. 251 બંધ રહ્યો હતો. મેટલ ઇન્ડેકસ રૂા. 5 ઘટીને 1.5 ટકા નીચે હતો. અનિલ અંબાણીની કંપની આરકોમનો ભાવ વધતાં દેવાંને લીધે આજે વર્ષની નીચી સપાટીએ ક્વૉટ થયો હતો. જાહેર ક્ષેત્રની અૉઇલ માર્કેટિંગ કંપની એચપીસીએલનો ટ્રેડિંગ દરમિયાન ભાવ આજે રૂા. 20 ઉછળ્યો હતો. આમ બજારમાં આજે ઘટાડાના દોર છતાં વ્યક્તિગત અનેક શૅરના ભાવમાં સુધારો ચાલુ રહ્યો હોવાનું ચિત્ર છે. જાણકારોના અભિપ્રાય મુજબ વર્લ્ડ બૅન્કે દેશના જીડીપીમાં અડધા ટકાનો ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer