ખાનગી પીએફ ટ્રસ્ટ ઇપીએફઓ કરતાં ઓછું વ્યાજ આપી શકે નહીં

ખાનગી પીએફ ટ્રસ્ટ ઇપીએફઓ કરતાં ઓછું વ્યાજ આપી શકે નહીં
શ્રમ મંત્રાલયે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું
મુંબઈ, તા. 11 : આશરે 1500 જેટલા પ્રાઇવેટ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડ ટ્રસ્ટએ જાહેર કરેલા વ્યાજદર એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફન્ડ અૉફિસ (ઈપીએફઓ)એ જાહેર કરેલા વ્યાજ દર જેટલા અથવા તેથી વધુ હોવાની ખાતરી આપવી પડશે.
કર્મચારીઓના પીએફનાં નાણાંનો વહીવટ (ઈપીએફ) હેઠળ આશરે 1500 જેટલી ખાનગી કંપનીઓનાં ટ્રસ્ટએ તેમના હસ્તક રાખ્યો છે.
આ ઉપરાંત આ પ્રકારે ઇપીએફ ધરાવતી કંપનીઓનાં ટ્રસ્ટોનું સમયાંતર મૂલ્યાંકન થશે અને ધોરણોના અમલનું પાલન કરવાના આધારે તેમને માસિક ધોરણે રેન્કિંગ આપવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઇપીએફ એકાઉન્ટમાં નાણાં જમા થયાની તાત્કાલિક જાણ કર્મચારીઓને કરવાની રહેશે. શ્રમ મંત્રાલયે એ વાતની ગંભીર નોંધ લીધી છે કે અમુક ખાનગી ઇપીએફ ટ્રસ્ટ ઇપીએફઓને સમાંતર વ્યાજદર જાહેર કરવામાં નિષ્ફળ ગયા છે.
આથી, શ્રમ મંત્રાલયે તેના તાજા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ઇપીએફ કંપનીના ટ્રસ્ટી બોર્ડે જો વ્યાજદર ઓછા જાહેર કર્યા હોય તો તે કંપનીના માલિકની જવાબદારી બનશે કે તે વ્યાજદર વૈધાનિક મર્યાદા સુધી લાવે.
લગભગ 1500 કંપનીઓને તેમના ઇપીએફ ટ્રસ્ટની રચના કરી કર્મચારીઓનાં પીએફની જાળવણીની પરવાનગી આપવામાં આવી છે. તેમાં આશરે 500 ટ્રસ્ટ નાનાં છે અને તેમનું કુલ ભંડોળ રૂા. એક કરોડથી ઓછું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer