મુંબઈમાં 50 ટકા અને અમદાવાદમાં 30 ટકા વેચાણ ઘટયું
મુંબઈ, તા.11 : દિવાળીના દિવસો નજીક છે તેમ છતાં વેચાણ 36 ટકા ઓછું હોવાનું 10 મુખ્ય શહેરોમાં વેપારી સંગઠનો દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે. દેશના સૌથી મોટા નાણાકીય કેન્દ્ર મુંબઈમાં વેચાણ 50 ટકા જેટલું ઘટયું હોવાનું ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના વિરેન શાહે જણાવ્યું હતું.
તેમ જ દેશનાં અન્ય શહેરોમાં પણ ચિત્ર ખરાબ છે. અમદાવાદમાં વેચાણ 30 ટકા, હૈદરાબાદમાં 15 ટકા, ચેન્નઈમાં 30 ટકા, બેંગ્લોરમાં 40 ટકા, ભોપાલમાં 30 ટકા ઘટયું છે. આથી દેશમાં સરેરાશ 36 ટકા વેચાણ ઘટયું છે.
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાના સપ્ટેમ્બર મહિનાના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે મુજબ, 40.7 ટકા લોકોનું માનવું છે કે આર્થિક સ્થિતિ કથળી છે, ગયા વર્ષે 25.3 ટકા લોકોની આ વિચારસરણી હતી. વધુમાં ગયા વર્ષના 31.9 ટકાની સામે આ વખતે 43.7 ટકા લોકોનું માનવું છે કે રોજગારની તક ઘટી છે.
સીએઆઈટીના નેશનલ પ્રેસિડેન્ટ બીસી ભાટિયાએ જણાવ્યું કે જીએસટીનું 28 ટકાનું માળખું રિટેલ બજાર માટે હતોત્સાહ છે. આથી લોકો ફર્નિચર જેવી વસ્તુઓ ખરીદતા નથી. ગૃહિણીઓ ખરીદી કરી રહી નથી. તેઓ સરકાર કરમાં ઘટાડો કરે તેની રાહ જોઈ રહ્યા છે.
ઈકોનોમિક પ્રોફેસર અને વાજપેયીના ભૂતપૂર્વ સહાયક જગદીશ શેટ્ટીધરે જણાવ્યું કે, આરબીઆઈને દોષ આપી શકાય નહીં, તેમણે સ્ટેટયુટરી લિક્વીડીટી રેશિયો (એસએલઆર)ને નીચો લાવવામાં આવ્યો છે, આ રીતે બૅન્કને વધારાના રૂા.57,000 કરોડનું ધિરાણ મળ્યું છે. તેમનું માનવું છે કે રોકાણકાર ક્રેડિટ ખરીદતા નથી કેમ કે માલની માગ નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. સીએમઆઈઈના આંકડા મુજબ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ જુલાઈથી ચાર ટકા ઘટયો છે અને બેરોજગારનું સ્તર 11 મહિનાની ટોચે 8.2 ટકા રહ્યું છે.
ગયા અઠવાડિયે આરબીઆઈનો હાઉસહોલ્ડ સર્વે જાહેર થયો હતો, જેમાં 79 ટકા લોકોનું માનવું છે કે ત્રણ મહિનામાં ભાવ વધશે અને 86 ટકા લોકોનું કહેવું છે કે આવતા વર્ષે મોંઘવારી વધશે.
દિવાળી પૂર્વે વેચાણ 36 ટકા ઘટયું : વેપારીઓ જીએસટીને દોષ આપે છે
