સમાજને ઉપયોગી થઈને ઊજવો દિવાળીનો તહેવાર

મુંબઈ, તા. 11 : નોટબંધી અને જીએસટી જેવાં પરિબળોને કારણે દિવાળીની રોનક ઓછી થઈ હોવાની ચર્ચા છે, પણ દિવાળીના આ પર્વને માનવતા અને સમાજને નવી દિશા મળે એ રીતે સાથે જોડી તેની ઉજવણી થવી જોઈએ. લોકો ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ આપીને આ તહેવાર ઊજવે છે.  ઘરની બહાર દીવા મૂકે છે અને નવાં વત્રોની ખરીદી કરે છે. નવા વર્ષે મિત્રો, સ્વજનોનાં ઘરે જઈને એકબીજાને મળીને આ તહેવાર ઊજવવામાં આવે છે, પણ આજનો યુગ આઉટ અૉફ બૉક્સ વિચારનારા લોકોનો છે. પરંપરાગત રીતે દિવાળી ઊજવવાને બદલે ઘણા લોકો સમાજના એવા લોકોને પણ આ ઉજવણીમાં સામેલ કરે છે જેમના માટે ફટાકડા, નવાં વત્રો કે મીઠાઈ ખરીદવાનું શક્ય ન હોય. 
આજ કાલની ભાગદોડ ભરી ફાસ્ટ લાઇફમાં લોકોને એકબીજા માટે સમય મળતો હોતો નથી. ત્યારે બીજી વ્યક્તિ પણ દિવાળી સારી રીતે ઊજવી શકે તેની દરકાર કોણ કરે? પરંતુ આવું કાર્ય પણ ઘણી સંસ્થાઓ કરતી હોય છે. તેઓ રાહતના દરે મીઠાઈનું વિતરણ કરીને એક રાહ ચીંધતી હોય છે. ઘરમાં કામ કરતા નોકરો, સોસાયટીના વૉચમૅનથી લઈને સાફ-સફાઈ કરનારોઓને મદદ કરીને ઘણા લોકો આ તહેવાર મનાવે છે.
જરૂરિયાતમંદ લોકોનાં ઘરમાં પણ દિવાળીની ઉજવણી સારી રીતે થાય તે કામ `ગુંજ' નામની સંસ્થા કરી રહી છે અને આ સંસ્થા ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં કાર્યરત છે. વર્ષ 2015માં આ સંસ્થાને પ્રતિષ્ઠિત મેગ સાયસાય એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
18 વર્ષ જૂની આ સંસ્થાનો મંત્ર છે `િરયુઝ ઍન્ડ રિસાઇકલ'. જૂની ચીજવસ્તુઓ ફેંકી દેવાના બદલે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે. લોકો જે ચીજવસ્તુને બિનઉપયોગી માનતા હોય એ બીજા કોઈ માટે ઉપયોગી હોઈ શકે છે અને તેથી આ સંસ્થા શહેરોમાંથી ચીજવસ્તુઓ એકઠી કરીને ગામડાંના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે.
`ગુંજ' દ્વારા તમામ ઉંમરના લોકોનાં કપડાં, બાળકોનાં સ્કૂલ મટેરિયલ્સ, બૅગ, બોટલ્સ, સ્પોર્ટસનો સામાન, સ્ટૉરી બુક્સ, બ્લેન્કેટ્સ, ટોવેલ્સ, જૂની ચાદરો, તકિયા, જૂના ચશ્માં, ગોગલ્સ, છત્રી, રેઇનકોટ, સ્ટીલ અને ઍલ્યુમિનિયમનાં વાસણ, ટોર્ચ, સિલાઈ મશીન, સિલાઈ કિટ, વ્હીલચેર, ક્રચીસ જેવાં મેડિકલ સાધનો, એક સાઇડ વપરાયા હોય તેવા કાગળ, ચાલુ કંડિશનમાં હોય તેવા કમ્પ્યુટર, પ્રિન્ટર, વૉશિંગ મશીન, પંખા, ફ્રીજ અને ટીવી સુધીની કોઈ પણ આઇટમ સ્વીકારમાં આવે છે અને તે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ઘણી વાર દેવી મંદિરોમાં માતાજીની ચુંદડી ચડાવ્યાં પછી તેનો ઉપયોગ થતો નથી, પણ `ગુંજ' દ્વારા તેમાંથી વેડિંગ ઘાઘરા બનાવવામાં આવે છે. હોઝિયરી કપડાંમાંથી રંગબેરંગી રજાઈ બનાવવામાં આવે છે.
આવી કોઈ પણ ચીજવસ્તુઓ મોકલી શકાય છે અને આ ચીજો મેળવીને જરૂરિયાતમંદો પણ તેમની દિવાળી સારી રીતે ઊજવતા હોય છે.
જો આવાં કાર્યમાં તમને પણ કોઈ પણ પ્રકારનો સહકાર આપવો હોય તો આપી શકો છે. આ માટે સંસ્થાની વેબ સાઇટ www.goonj.com પર વધુ જાણકારી મળી શકશે. અથવા સંસ્થાની વોલન્ટિયર મીતાનો વૉટ્સઍપ નંબર +91 98201 92876 પર સંપર્ક કરી શકાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer