ચિંતા ન કરો, ફટાકડાબંધી નહીં થાય : રામદાસ કદમ

મુંબઈ, તા. 11 : `સંજય રાઉત અને રાજ ઠાકરે ચિંતા ન કરે, હિંદુઓના તહેવારની કાળજી રામદાસ કદમને છે. બાળાસાહેબે હિંદુત્વની શીખ આપી છે, તેથી આપણા લોકોમાં ભ્રમ ન ફેલાવવાની વિનંતિ છે અને મહારાષ્ટ્રમાં ફટાકડાબંધી થશે નહીં' એમ પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે કહ્યું હતું.
કદમે જણાવ્યું હતું કે રાજ્યમાં ફટાકડાબંધી બાબતે વિચારાધીન છું એવું બોલ્યો જ નથી. અમે હિંદુત્વવાદી છીએ. હિંદુઓના તહેવાર પર રોકટોક નહીં થાય અને આ પાપ શિવશેના કે હું નહીં કરીએ. તેથી ફટાકડાબંધીનો નિર્ણય લઇશ નહીં પરંતુ પ્રદુષણમુક્ત દિવાળી ઊજવવી જોઇએ તેના માટે જનજાગૃતિ કરીશ.
સંજય રાઉત અને રાજ ઠાકરેને પ્રતિઉત્તર આપતા કદમે કહ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાબંધી થઇ નથી, માત્ર વ્યાપારી ભાગમાં ફટાકડા ન વેચવાનું કોર્ટે કહ્યું હતું. તેથી જેમણે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી તેમને આ માહિતી આપવી હતી. ફક્ત પ્રસિદ્ધિ મેળવવા બોલવું ન જોઈએ.
મંગળવારે રામદાસ કદમે વિદ્યાર્થીઓને પ્રદુષણમુક્ત દિવાળી ઊજવવાની શપથ આપી હતી. તે સમયે રાજ્યના મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત હતા. મહારાષ્ટ્રમાં પણ પ્રદુષણમુક્ત દિવાળી મનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવું તેમણે કહ્યું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer