હિંસાનો ગુનો કબૂલતી હનીપ્રીત

દુષ્કર્મના દોષી રામ રહીમની દત્તક દીકરીએ હિંસા માટે સવા કરોડ આપ્યાનુંય કબૂલ્યું
ચંદીગઢ, તા. 11 : દુષ્કર્મના દોષી રામરહીમની કહેવાતી દીકરી હનીપ્રીત ઇન્સાને પોતાનો અપરાધ કબૂલી લીધો છે. પંચકુલામાં હિંસા ભડકાવવાનું કાવતરું જાતે ઘડયું હોવાની હનીપ્રીતે કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે.
ભારે સનસનાટી મચાવનારા ઘટસ્ફોટમાં હનીપ્રીતે રામરહીમને દુષ્કર્મના દોષી ઠરાવીને 20 વર્ષની જેલની સજાના ચુકાદા બાદ પંચકુલામાં 40 લોકોનો ભોગ લેનાર હિંસા માટે તેણે સવા કરોડ રૂપિયા લોકોને આપ્યા હોવાનું કબૂલી લીધું છે.
પ્રિયંકા તનેજા ઉર્ફે હનીપ્રીત ઇન્સાનને ગઇકાલે મંગળવારે પંચકુલા અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા બાદ આજે તેણે હિંસા ભડકાવી હોવાનું સ્વીકાર્યું હતું.
હનીપ્રીતે તેના જ ઇશારે ભડકાઉ વીડિયો ડેરા સમર્થકોને ઉશ્કેરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનીયે કબૂલાત કરી હતી.
દરમ્યાન સીબીઆઇએ રોહતકની સુનારિયા જેલમાં આજે લગભગ ત્રણ કલાક સુધી રામરહીમની પૂછપરછ કરી હતી. એ દરમ્યાન તે પોતાના પરના આરોપો નકારતો રહ્યો હતો.
વધુમાં પોલીસ હનીપ્રીતનો મોબાઇલ તેમજ લેપટોપ પણ કબ્જે કરવા માગે છે. આ બન્નેમાં પંચકુલા હિંસાના નક્કર પુરાવા છે, તેવું પોલીસ માની રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer