અમદાવાદમાં હોટેલના માલિકનું રહસ્યમય મોત

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.11 : અમદાવાદમાં મીઠાખળી વિસ્તારમાં આવેલી નાલંદા હોટલના માલિક ખુશાલદાસ તેજવાણી (69)નો  મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ડ્રાઇવ ઇન નજીક આવેલી માઇલ સ્ટોન બિલ્ડિંગ પાસેથી  મળી આવતા ચકચાર મચી  છે. આ બિલ્ડિંગમાં આવેલી સિંધુ ફાઉન્ડેશનમાં સેવા આપવા ગયેલા ખુશાલદાસભાઇનું મૃત્યુ કુદરતી રીતે થયું કે ઉપરથી અથવા તો નીચે પટકાવાથી થયું? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, આંબલી-બોપલ રોડ ઉપર પુષ્કર પ્લેટિનિયમમાં રહેતા ખુશાલદાસ તેજવાણીનો મૃતદેહ આજે સવારે વત્રાપુર પોલીસને મળ્યો હતો. વત્રાપુર પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આજે સવારે પોણા સાત વાગ્યાની આસપાસના સુમારે  ઘરેથી કાર લઇને નીકળ્યા હતા. ઘરેથી નીકળેલા ખુશાલભાઇ સિંધુ ફાઉન્ડેશન ગયા હતા. આ પછી સવારે દસેક વાગ્યાના આરસામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. 
પોલીસ કંટ્રોલ રૂમને એવો મેસેજ આવ્યો હતો કે, માઇલસ્ટોન બિલ્ડિંગ ઉપરથી કોઇ પડયું છે. કોઇએ આપઘાત કર્યો હોવાની વિગતો વચ્ચે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા આ મૃતજેહ નાલંદા હોટલના માલિક ખુશાલદાસનો હોવાનું  ખૂલ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer