7.58 લાખ શિક્ષકોને સાતમા વેતન પંચ મુજબ પગાર મળશે

યુનિવર્સિટી અને કૉલેજોના શિક્ષકોને દિવાળી ગિફ્ટ
નવી દિલ્હી, તા. 11 : કેન્દ્ર સરકારે કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટી અને કૉલેજોના શિક્ષકોને દિવાળી પહેલાં સાતમા વેતન પંચની ભલામણો મુજબ પગાર આપવાની જાહેરાત કરી છે. આશરે 7.58 લાખ શિક્ષકોને તેનો ફાયદો થશે. આ વેતનવધારાથી કેન્દ્ર સરકાર પર વર્ષે 1400 કરોડ અને રાજ્યો પર 8400 કરોડ રૂપિયાનો બોજો પડશે.
કેન્દ્રીય કૅબિનેટે આ વેતનવધારાને મંજૂરી આપી હતી. આ વેતનવધારો 2016ની પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે એની જાહેરાત કરી હતી.
શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિભાશાળી લોકોને આકર્ષવા માટે અને તેમને કૉલેજ-યુનિવર્સિટીમાં સ્થાયી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય યુનિવર્સિટી, આઇઆઇએમ,આઇઆઇએસસી, આઇઆઇટી, એનઆઇઆઇટી જેવી 213 કેન્દ્રીય સંસ્થાઓના 58,000 શિક્ષકો અને 329 રાજ્ય યુનિવર્સિટીની 12,910 કૉલેજોના સાત લાખ શિક્ષકોને તેનો ફાયદો મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer