સગીર પત્ની સાથે જાતીય સંબંધ સજાપાત્ર ગુનો

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 
એક વર્ષમાં ફરિયાદ થશે, તો બળાત્કારનો કેસ ચાલશે
નવી દિલ્હી, તા. 11 : દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે એક ધ્યાન ખેંચનારા મોટા ફેંસલામાં જણાવ્યું હતું કે, સગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધ બળાત્કાર ગણાશે. 15થી 18 વર્ષની પત્ની સાથે તેનો પતિ સંબંધ બાંધે તો તેને દુષ્કર્મ નહીં કહેવાય તેવું કહેતી ભારતીય દંડ સંહિતાની કલમ 375(2)ને સુપ્રીમે ગેરબંધારણીય ગણાવી હતી.
બાળ લગ્નના કાયદા મુજબ લગ્ન માટે મહિલાની ઉંમર 18 વર્ષ હોવી જોઇએ. અદાલતના આદેશ અનુસાર સગીરા પત્ની એક વર્ષની અંદર ફરિયાદ કરશે તો પતિ પર દુષ્કર્મનો કેસ ચાલશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પતિને સંરક્ષણ આપતા કલમ 375ના અપવાદને માન્ય રાખવાના આગ્રહ સાથે આ મામલા પર સંસદને વિચાર કરવા અને ફેંસલો કરવાની સમય સીમા નક્કી કરી આપવા અપીલ કરી હતી.
બાળ લગ્નની પરંપરા સદીઓથી ચાલી આવતી હોવાથી સંસદ સંરક્ષણ આપે છે તેવા તર્ક સાથે સરકારે આ અંગે ફેંસલો સંસદ પર છોડી દેવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એમ તો સતી પ્રથા પણ સદીઓથી ચાલી આવતી હતી, પરંતુ તેને પણ ખતમ કરાઇ. સદીઓથી ચાલી આવતી પ્રથા સાચી હોય તે જરૂરી નથી.
અદાલતે કહ્યું હતું કે, કાયદામાં અપરાધ ગણાવાયો હોવા છતાં બાળ વિવાહ થઇ રહ્યા છે. સુપ્રીમે સગીરા પત્ની સાથે શારીરિક સંબંધની ફરિયાદ ધ્યાને લેતાં પોસ્કો કાયદા તળે કાર્યવાહીનો વિકલ્પ સૂચવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer