દાઉદના ભાઈ ઇકબાલ કાસકર અને પંકજ ગંગર સહિત પાંચ જણ વિરુદ્ધ `મકોકા''

દાઉદના ભાઈ ઇકબાલ કાસકર અને પંકજ ગંગર સહિત પાંચ જણ વિરુદ્ધ `મકોકા''
મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : કુખ્યાત ગૅંગસ્ટર દાઉદના ભાઇ ઇકબાલ કાસકર, ગૅંગસ્ટર છોટા શકીલ અને અન્ય ત્રણ જણ વિરુદ્ધ ખંડણી માગવાના પ્રકરણમાં થાણે પોલીસ દ્વારા `મકોકા' લગાડવામાં આવ્યો છે. `મકોકા' લગાડવામાં આવે પછી આરોપી સરળતાથી જામીન મેળવી શકાતા નથી.
થાણેના બીલ્ડર પાસે ખંડણી માગવાના પ્રકરણમાં ઇકબાલ કાસકર, છોટા શકીલ, પંકજ ગંગર, ઇસરાર અને મુમતાઝ  સહિત કુલ પાંચ જણ વિરુદ્ધ `મકોકા' લાગુ પાડવામાં આવ્યો છે.
થાણેના કાસારવડવલી પોલીસસ્ટેશનમાં બીલ્ડરે નોંધાવેલી ફરિયાદને પગલે ઇકબાલ કાસકર અને તેના સાગરીતો ઇસરાર જમાલ અલી સૈયદ અને મુમતાઝ શેખની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં માલૂમ પડયું હતું કે દાઉદ ઇબ્રાહિમનો નિકટનો સાથી છોટા શકીલ કેટલાક બીલ્ડરો અને વેપારીઓ પાસે ખંડણી માગતો હતો. આ ખંડણી દાઉદના કહેવાથી માગવામાં આવતી હતી.
આ પ્રકરણની શરૂઆતથી જ તપાસ કરી રહેલી થાણે પોલીસે મુંબઈ પોલીસને છેલ્લાં દસ વર્ષમાં છોટા શકીલ વિરુદ્ધ નોંધવામાં આવેલા ગુનાની વિગતો આપવાનું કહ્યું હતું. તેના પગલે મુંબઈ પોલીસે સેશન્સ કોર્ટમાં છોટા શકીલ વિરુદ્ધ તહોમત નોંધાવવામાં આવ્યું છે. એવા કેસ સહિત અન્ય કેટલાક કેસોની વિગતો આપી હતી. આ કેસમાં છોટા શકીલની સંડોવણીના પુરાવા મળ્યા પછી તેની વિરુદ્ધ `મકોકા' લાગુ પાડવાનું શક્ય બન્યું છે. ખંડણી માગવાના પહેલા કેસમાં બીલ્ડર દ્વારા 30 લાખ  રૂપિયા રોકડા અને ચાર ફ્લૅટ આપવામાં આવ્યા હતા. તે બીલ્ડરને વર્ષ 2013થી દાઉદના નામે ધમકી આપીને ખંડણી વસૂલ કરવામાં આવતી હતી. આ ઉપરાંત થાણેના ખંડણીના બે વધુ કેસ કાસકર, શકીલ, દાઉદ ઇબ્રાહિમ અને તેના ભાઇ અનિસ વિરુદ્ધ નોંધવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer